- કોરોના મહામારી વચ્ચે ટેટોડા ગૌશાળા પર ચાલુ કર્યું અનોખું આઈશોલેશન વોર્ડ
- ડીસા તાલુકાના ટેટોડા ગૌશાળા પર ચાલુ કર્યું આઇશોલેશન કેન્દ્ર
- રાજારામ ગૌશાળામાં 50 બેડની સુવિધા
- દર્દીઓને આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર
- રાજસ્થાન અને બનાસકાંઠાના દર્દીઓ સારવાર લેવા આવે છે
- આ ગૌશાળા પર અનેક દર્દીઓ સ્વસ્થ થઈ પરત ગયા છે
બનાસકાંઠા: સમગ્ર દેશ, રાજ્ય અને બનાસકાંઠામાં કોરોના કહેર વધ્યો છે. જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર અને આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને સારવાર મળી રહે તે માટે હવે ગૌશાળાના સંચાલકો સામે આવ્યા છે. તેમ પણ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર શરૂ કરી છે. જેમાં બનાસકાંઠાના ડીસા નજીક આવેલી ટેટોડા ગૌશાળામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આયુર્વેદ અને એલોપેથી દવાઓના માધ્યમથી ઉપચાર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -કોરોનાથી બચવા આણંદના રીક્ષાચાલકે પહેરી PPE કીટ, માસ્ક ન પહેરનારાઓ સામે બન્યા ઉદાહરણરૂપ
ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવી રહ્યો છે
વેદલક્ષણા ગૌથી પ્રાપ્ત થયેલી પંચગવ્ય જેમાં ગૌમુત્ર, ઘી, દૂધ તથા દહીં સાથે અનેક આયુર્વેદિક ઔષધીથી તૈયાર કરવામાં આવેલું પંચગવ્યામૃત ઔષધીઓ દ્વારા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે દર્દીઓને ગોબર, ગૌમુત્રના ખાતરથી ઉગાડેલું અનાજ અને મસાલાઓથી નિર્મિત ભોજન પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોના દર્દીઓને પંચગવ્યાયુર્વેદ પૂજા-ઉપાસના, ગોધૃત, ગુગળ અને હવન સામગ્રીથી પ્રતિદિન યજ્ઞ ધૂપ દ્વારા વાતાવરણમાં કોરોના દર્દીઓ માટે પ્રાણશક્તિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
રાજારામ ગૌશાળામાં 50 બેડની સુવિધા
આ રાજારામ ગૌશાળામાં આશ્રમમાં તૈયાર થયેલા આ પંચગવ્યાયુર્વેદ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 1 આયુર્વેદ અને 1 એલોપથી ડૉકટર સાથે 5 નર્સ કોવિડ દર્દીઓને સારવાર આપી રહી છે. કોવિડ કેર સેન્ટરમાં ઠંકડ રહે તે હેતુથી સમગ્ર કોવિડ કેરની આજુબાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે. જેથી કોવિડ સેન્ટરમાં કુદરતી રીતે તાપમાન જળવાઈ રહે તેમજ આ આશ્રમમાં પાંચ હજાર ગાયોના નિવાસ સાથે કુદરતી વાતાવરણમાં દર્દીઓને સારવાર મળી રહી છે. આ અંગે ગૌશાળાના સંચાલક રામરતન મહારાજે જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયું છે. ભારતીય આયુર્વેદમાં મહામારી તેમજ અસાધ્ય રોગોને ઈલાજ માટે ગાય માતા દ્વારા તૈયાર થયેલા ખોરાક દર્દીઓને રોગપ્રતિકારક શક્તિ આપશે, જ્યારે આયુર્વેદ અને એલોપથી ઈલાજના કારણે દર્દીઓ જલ્દી સાજા થશે. વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી દર્દીઓની સારવાર થશે. પાંચ હજાર ગાય જ્યાં રહે છે ત્યાં તેમની સાથે રહી કુદરતી વાતાવરણમાં કોરોના દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.