- ભીલડી પાસે ટ્રક ખેતરમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત
- વડગામની બજારમાં ટ્રક દુકાનમાં ઘૂસી જતા દોડધામ મચી
- સદનસીબે આ બન્ને અકસ્માતમાં જાનહાની ટળવા પામી
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં સર્જાયેલા 2 અકસ્માતો પૈકી એકમાં ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક ખેતરમાં 100 મીટર સુધી ઢસેડાઈ હતી. જ્યારે, અન્ય એક બનાવમાં બેકાબૂ બનેલું ટ્રેલર વડગામના મુખ્ય બજારની પાંચેક દુકાનોમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતના બન્ને બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બે બનાવો, સદનસીબે કોઈ જાનહાનિ નહી ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક ખેતરમાં 100 મીટર દૂર ઢસેડાઈ
મુન્દ્રા તરફથી બ્યાવર તરફ જઈ રહેલા કોલસા ભરેલા ટ્રકના ચાલકે ભીલડી નજીક સોતમલા પાટિયા પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ખેતરમાં 100 મીટર સુધી પહોંચી ગઈ હતી અને લીમડાના ઝાડ સાથે અથડાતા ટ્રકને નુકસાન થયું હતું. આ ટ્રક ખેતરમાં પ્રવેશતા બાજરીના પાકને નુક્સાન થયું હતું. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે જાનહાનિ ટળી હતી.
સિમેન્ટ ભરેલા ટ્રેલરે 5 દુકાનોને અડફેટે લીધી
અકસ્માતના બીજા બનાવમાં બનાસકાંઠાના વડગામમાં સિમેન્ટ ભરેલા એક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બેકાબૂ બનેલુ ટ્રેલર દુકાનમાં ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં પણ સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. જ્યારે, પાંચેક દુકાન માલિકોને મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, રવિવાર હોવાથી બજાર બંધ હતું. જેના કારણે જાનહાનિ ટળી હતી.