- બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બેનું મોત
- અન્ય ચાર લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા
- આજુબાજુના લોકો બચાવવા માટે કૂવામા ઉતર્યા હતા
બનાસકાંઠા : કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાજિયાનું કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. આ બાયોગેસના કૂવામાં ગઈકાલે સાંજે તેમનો પુત્ર આનંદ ચૌધરી ગત મોડી રાત્રે સફાઈ માટે ઉતાર્યો હતો. તે સમયે ગેસ ગળતર થતાં ગૂંગળામણના કારણે તેનું કૂવામાં જ મોત થયું હતુ.
આજુબાજુના લોકો પણ તેમને બચાવવા માટે કૂવામા ઉતર્યા
ખેતર માલિકનો પુત્ર સફાઇ માટે કૂવામાં ઉતર્યો હતો. મોડે સુધી બહાર ન આવતા ભાજિયા તરીકે કામ કરતાં સુંધાજી ઠાકોર પણ કૂવામાં ઉતર્યા હતા. તેમનું પણ ગૂંગળામણથી મોત થયું હતું. કલાકો સુધી આ બંન્ને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને બચાવવા માટે કૂવામા ઉતર્યા હતા. ગેસ ગળતરના કારણે 4 લોકો અસરગ્રસ્ત થયા હતા.
બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા મોત પોલીસ ઘટના સ્થળે દોડી આવી પહોંચી આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. બંન્ને મૃતકોની લાશને PM અર્થે ખસેડી હતી. અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાને કારણે આજુબાજુના લોકોના ટોળે-ટોળાં ઉમટ્યા હતા. જ્યારે ખેતર માલિક અને ભાજિયાનું મોત થતાં તેમજ અન્ય ચાર લોકો ગંભીર રીતે અસરગ્રસ્ત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે.