છેલ્લા ઘણા સમયથી અકસ્માતમાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને વાહનચાલકો જ્યારે દારૂ પીને વાહન ચલાવતા હોય છે. ત્યારે નિર્દોષ લોકોની જીંદગી પણ અકસ્માતમાં હોમાઇ જતી હોય છે. દિયોદર ડેપોની પાટણ જતી બસના કંડક્ટર દારૂ પીને ફરજ પર આવતા મુસાફરો રોષે ભરાયા હતા.
નશામાં ધૂત બસ કંડક્ટરનો વીડિયો વાયરલ, બે કર્મચારીઓને સસપેન્ડ કરાયા - GSRTC
બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં દારૂ પીધેલી હાલતમાં એક બસ કંડક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોની વિભાગીય નિયામકે કડક કાર્યવાહી કરી કંડક્ટર અને ડ્રાઇવર સહિત બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
ચાલુ બસમાં મુસાફરોએ બસ કંડક્ટર સામે વિરોધ કર્યો હતો. જો કે મુસાફરોએ વિરોધ કરતા નશાની હાલતમાં ચકચૂર બનેલો બસ કનડક્ટર લોકોની માફી માગતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
આ બનાવની જાણ થતાં જ બસ વિભાગ દ્વારા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને દિયોદર ડેપોના બસ કંડકટર રામસિંહ રાજપુત અને ડ્રાઇવર દશરથભાઈ રબારીને ચાલુ ફરજ પર બેદરકારી દાખવતા બંનેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા એસટીના વિભાગીય નિયામક જે. એચ. સોલંકીએ ફરજ પર બેદરકારી દાખવવા બદલ બે બસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાતા અન્ય બસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.