બનાસકાંઠાઃ વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને મ્હાત આપવા માટે આરોગ્ય, પોલીસ, સફાઈ કર્મચારી, 108,181 અભયમ સહિતના યોદ્ધાઓ ખડેપગે રહી દિન રાત જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના લાખણીના નિરક્ષર ખેડૂત માતા- પિતાની બે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપે છે. જયાં મોટી બહેન અમદાવાદ ખાતે પોલીસમાં જ્યારે નાની બહેન પાલનપુર 181 અભયમમાં ફરજ બજાવી દેશ સેવા નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે..
લાખણીના નિરક્ષર ખેડૂત માતા-પિતાની બે દિકરીઓ કોરોના વોરિયર્સ તરીકે બજાવે છે સેવા. વિશ્વ વ્યાપી કોરોના વાઇરસને નાથવા માટે દેશના મોટા શહેરોથી માંડી નાનકડા ગામડામાં વસતા યોદ્ધાઓ લડત આપી રહ્યા છે. જેમાં કેટલાક પરિવારો તો એવા છે કે, તેમના એક કરતાં વધુ સભ્યો કોરોના વોરિયર્સ બન્યા છે. જેમાં વાત કરવી છે. ગામડામાં રહેતા એવા માતા-પિતાની કે પોતે ભલે નિરક્ષર રહ્યા પણ દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવી કોરોના યોદ્ધા બનાવ્યા છે.
જી હા, બનાસકાંઠા જિલ્લાના લાખણી ગામે રહેતા શારદાબેન અને માનસુંગભાઈ પરમાર ખેતી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનોમાં પાંચ દીકરીઓ અને બે પુત્રો છે. જેમને વર્તમાન સમયે શિક્ષણનું મહત્વ સમજી સમાજના રીત રિવાજો એક બાજુ મૂકી પેટે પાટા બાંધી દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને દિકરીઓએ પણ પોતાની મહેનતથી માતા- પિતાના સપના સાકાર કરતાં મોટી દિકરી ભાવનાબેને પી.ટી.સી., બી.એ. એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અને અત્યારે અમદાવાદ ખાતે પોલીસમાં ASI તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે નાની દિકરી જીનલબેને BRC. MSWનો અભ્યાસ પૂર્ણ કરી પાલનપુર ખાતે 181 અભયમમાં કાઉન્સિલર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વર્તમાન સમયે કોરોના વોરિયર્સ બની જીવના જોખમે રાત-દિવસ ખડેપગે ફરજ બજાવતી બંને બહેનોએ જણાવ્યું હતું કે, અમને અમારા માતા પિતા ઉપર ગર્વ છે કે, તેમણે અનેક મુસીબતો અને કષ્ટ વેઠીને પણ અમને ઉચ્ચ અભ્યાસ કરાવી આજે સમાજમાં અમને મોભાદાર સ્થાન અપાવ્યું છે. અમે સમાજ અને દેશ સેવા થકી તેમનું ઋણ ચૂકવી તેઓએ સેવેલા સપના સાકાર કરીશું.
શારદાબેન અને માનસુંગભાઈની સૌથી નાની દિકરીનું પણ પોલીસમાં પોસ્ટિંગ થયું છે. નાની દીકરી આશાબેન પણ પોતાની બે બહેનોના પગલે ચાલી છે. માતા પિતાએ ઉચ્ચ શિક્ષણ અપાવતાં તે પણ BA MAનો અભ્યાસ કરી પોલીસની પરીક્ષામાં પાસ થઈ છે અને તાજેતરમાં કચ્છ ભૂજ ખાતે પોસ્ટિંગ થતાં માતા-પિતાની ખુશીનો કોઈ પાર રહ્યો નથી.