ડીસા શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ચોરોનો આંતક વધી ગયો છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો ચોરો એક પછી એક દુકાનો અને બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી રહ્યા છે. ડીસા શહેરમાં ચોરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ, એક પછી એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે સોમવારે મોડી રાત્રે માયાનગર વિસ્તારમાં ચોરોએ બે બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી.
ડીસામાં બે મકાનનાં તાળા તૂટ્યા, 2.5 લાખની મતા ચોરાઈ
બનાસકાંઠાઃ ડીસા શહેરમાં ચોરી કરવી જાણે ચોરો માટે નજીવી બાબત બની ગઇ હોય, તેમ એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે ડીસાની માયાનગર સોસાયટી ખાતે બે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.
માયાનગર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જાદવ પોતાના કુળદેવીનું નેવૈધ કરવા માટે પોતાના વતન ગયા હતા. તે દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવી અજાણ્યા શખ્સોએ તેમના મકાનમાં પ્રવેશ કરી, મકાનમાં પડેલા એક કિલો ચાંદી, ચાર તોલા સોનુ અને ઘરમાં પડેલા ૩૫૦૦૦ રોકડા એમ કુલ મળી બે લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી થઈ હતી. પ્રેમજીભાઈ પોતાના ઘરે આવ્યા, ત્યારે ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. તાત્કાલિક પ્રેમજીભાઈએ દક્ષિણ પોલીસ મથકે જાણ કરી હતી. બાજૂમાં આવેલા ચૌહાણ કપિલભાઈ પ્રેમજીભાઈના ઘરે પણ ચોરીનો પ્રયાસ થયો હતો. પરંતુ મકાન માલિક હજી સુધી ઘરે આવ્યા ન હોવાથી હાલ પોલીસે પ્રેમજીભાઈ જાદવની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.