ડીસાઃ શહેરમાં દિવસેને દિવસે ડીસા નગરપાલિકા દ્વારા વિકાસ વધારવામાં આવી રહ્યો છે. તેની સાથે-સાથે ટ્રાફિકની સમસ્યા પણ સૌથી વધુ વધી રહી છે. ટ્રાફિક વધવાનું કારણ એ છે કે, શહેરમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે એક પણ જગ્યાએ વાહન ઊભું રાખવા માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી.
ડીસામાં ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ ડીસા શહેરના ભરચક વિસ્તાર એવા બજારમાં એક પણ જગ્યાએ પાર્કિંગ ન હોવાના કારણે મોટી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહનચાલકો આડેધડ પોતાના વાહનો પાર્કિંગ કરી જતા રહેતા આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આજદિન સુધી આ ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં આવી નથી. બીજી તરફ સવારમાં ડીસા શહેરના મેઇન બજારમાં શાકભાજી વેચતા લોકો દ્વારા રસ્તાની વચ્ચોવચ ઉભા રહી ટ્રાફિક કરવામાં આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે નગરપાલિકા અગાઉ પણ અનેકવાર આ ટ્રાફિક ઘટાડવા માટે ઝુંબેશ ચલાવ્યા છે.
ડીસામાં સૌથી મોટું ડૉક્ટર હાઉસ આવેલુું છે અને અહીંયા રોજના એક હજારથી પણ વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ દવાખાનામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી ડૉક્ટર હાઉસમાં રોજ મોટી ટ્રાફિક સર્જાય છે.
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર કરવા માટે ડીસામાં આવતા હોય છે. જેના કારણે અહીં વાહનચાલકો આડેધડ પેસેન્જર કરવાની લાલચમાં પોતાનું વાહન પાર્કિંગ કરી દેતા હોય છે. જેના કારણે અન્ય નાના વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાઈ જવાના કારણે કલાકો સુધી ફસાઈ રહી છે. ડૉક્ટર હાઉસમાં પાર્કિંગ ન હોવાના કારણે ડીસા નગરપાલિકા દ્વારા તમામ ડૉક્ટરોને પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે નોટિસની પણ ફાળવણી કરવામાં આવી છે.
આજદિન સુધી કોઈપણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં ન આવતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આ બાબતે જો તાત્કાલિક ધોરણે ડૉક્ટર દ્વારા પાર્કિગની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ડીસા નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.