24 કલાક ધમધમતા ડીસા-થરાદ હાઇવે પર સવારથી જ ચક્કાજામ થઇ ગયો હતો. અહીં સમશેરપુરા ગામ પાસે 300થી પણ વધુ વિદ્યાર્થીઓએ રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા જોરાપુરા અને સમશેરપુરા ગામ પાસેથી પસાર થતી બસ ઉભી રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
ભણે ગુજરાતમાં હવે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બસ રોકવા કરવું પડે છે ચક્કાજામ પરંતુ તેમ છતા બસ ચાલક દ્વારા અહીં બસ ઉભી ન રાખવામાં આવતા 35 જેટલા વિદ્યાર્થીઓને શાળાએ અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આખરે બસ ઉભી ન રાખતા કંટાળેલા વિદ્યાર્થીઓ સવારે સમશેરપુરાના પાટીયા પાસે 15 જેટલી બસો થોભાવી ચક્કાજામ કરી દેતા હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામમાં 500થી પણ વધુ મુસાફરો અટવાયા હતા.
સતત 5 કલાક સુધી ટ્રાફિક જામ રહેતા અહીં 300થી પણ વધુ વાહનચાલકો ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ચક્કાજામની જાણ ડીસા એસટી મેનેજરને થતા એસટી મેનેજર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી એસટી મેનેજરે લેખિત અરજી લઈ બાંહેધરી આપી હતી અને બસો બસ સ્ટોપ પર ઉભી રહેશે તેવું મૌખિક જણાવ્યું હતું.
આ ઉપરાંત એસટી ડેપોના મેનેજરના કહેવા પ્રમાણે વિદ્યાર્થીઓએ બસો જવા દીધી હતી પરંતુ તેવી ચિમકી પણ આપી હતી કે જો બસો ફરીથી ઉભી નહિ રહે તો ઉગ્ર આંદોલન કરીશું.
સમગ્ર ઘટનાની માહિતી મળતા જ ડીસા તાલુકા પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવી બસ ઉભી રહેશે તેવી લેખિતમાં ખાત્રી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો. જ્યારે પોલીસે પણ વિદ્યાર્થીઓને સમજાવ્યા બાદ ટ્રાફિક પૂર્વવ્રત કરાવતા વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.