- રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું
- તીર્થ સ્થળ અંબાજીમાં કોરોના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા નહીં
- સ્થાનિકોને પણ 20 કિલોમીટર દૂર ટેસ્ટ કરાવા જવું પડે છે
અંબાજીઃ પ્રસિદ્ધ તીર્થ સ્થળ અંબાજીમાં દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અંબાજીમાં દિવાળીના તહેવારો દરમિયાન વિવિધ સ્થળેથી આવેલા શ્રદ્ધાળુઓને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત જોવા મળી રહી છે. ત્યારે અંબાજીમાં હાલના તબક્કે કોઈજ પ્રકારના કોરોના ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી નથી.
અંબાજીમાં યાત્રાળુઓ માટે કોરોના ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા નહીં રેપિડ ટેસ્ટ માટે કીટની અછત
આ પહેલા અંબાજીમાં આરોગ્ય ધન્વંતરિ રથ તેમજ રેપિડ કીટ દ્વારા કોરોનાની તાપસ કરાતી હતી. પણ હાલના તબક્કે લોકોને કોરોના ટેસ્ટ કરાવા માટે 12 કિલોમીટર દૂર સેમ્બલપાની અથવા 20 કિલોમીટર દૂર દાંતા જવું પડે છે. જેમા પણ રેપિડ ટેસ્ટ માટેની કીટ માર્યાદિત આવતી હોવાથી પૂરતી સંખ્યામાં ટેસ્ટ થઇ શકતા નથી. જ્યારે અંબાજીમાં યાત્રિકોનો ધસારો વધુ હોવાથી અંબાજીમાં ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે તે જરૂરી બન્યું છે.