ડીસા : નગરપાલિકા કચેરીમાં જ પાલિકા વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી રહેલા લોકો છે ડીસા શહેરમાં હાઇવે વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશો. આ રહીશોના પાલિકા વિરુધ્ધમાં આક્ષેપ છે કે પાલિકા દ્વારા તેમના વિસ્તારોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વિસ્તારના રહીશો પાણીની બુંદ બુંદ માટે તરસી રહ્યા છે. આ વિકટ સમસ્યાને સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમની આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.
ડીસામાં પાણીનો પોકાર, મહિલાઓ રજૂઆત માટે પહોંચી નગરપાલિકા
ડીસા નગરપાલિકાના વહીવટ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે, ત્યારે આજે શુક્રવારે ડીસા શહેરમાં હાઇવે વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશો પાણીની સમસ્યાની રજૂઆતને લઈ ઉગ્ર બનીને પાલિકા કચેરી પર પહોંચી ગયા હતા અને પાલિકા વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી.
મહિલાઓ રજુઆત માટે પહોંચી નગરપાલિકા
અગાઉ આ વિસ્તારના પાલિકા સદસ્ય અને પાલિકાના પાણી પુરવઠાના ચેરમેનને રજૂઆત કરતાં તેમણે સ્થાનિકોને હૈયાધારણ આપીને તેમના વિસ્તારમાં બોર બનાવી આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ ડીસા નગરપાલિકાના પ્રમુખે આ બાબતે કોઈ જ મંજૂરી ન આપતા આ વિસ્તારના લોકોને અત્યારે પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે ઉશ્કેરાયેલા લોકો આજે શુક્રવારે ડીસા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચી ગયા હતાં.