- ભીલડી ગ્રામપંચાયતના મહિલા સરપંચે શરૂ કરી અનોખી પહેલ
- દીકરીઓ અને મહિલાઓને સ્વખર્ચે ડિલિવરી તેમજ લગ્ન પ્રસંગે સહાય આપવાની કરી શરૂઆત
- લગ્ન પ્રસંગે રૂપિયા 1100 અને પ્રસુતિ પ્રસંગે રૂપિયા 3100ની કરવામાં આવશે સહાય
બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે દીકરીઓ અને મહિલાઓ માટે કરોડો રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. હાલમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ થકી લોક જાગૃતિ લાવવામાં આવી રહી છે, ત્યારે ભીલડી ગામ ખાતે મહિલા સરપંચ દ્વારા ગામની તમામ દીકરીઓ અને મહિલાઓને સ્વખર્ચે ડિલિવરી તેમજ લગ્ન પ્રસંગે સહાય આપવાની શરૂઆત કરી છે.
ગામના વિકાસમાં ગીતાબેન મોદીની મહત્વની ભૂમિકા
જિલ્લાના ભીલડી ગામે ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી માત્ર 8 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે, પરંતુ આજે ભીલડી ગામની મહિલાઓ અને દીકરીઓ માટે કરેલી કામગીરીથી ગુજરાતભરના લોકો માટે તેઓ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. ગીતાબેન મોદી જાન્યુઆરી 2017ના રોજ ભીલડી ગ્રામ પંચાયતમાં પદભાર સાંભળ્યો હતો. ત્યારથી ગીતાબેન મોદી દ્વારા ભીલડી ગામને સી સી ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું, ગામમાં શૌચાલય બનાવવામાં આવ્યા, મહિલાઓ માટે સીબીર યોજી 780 'માં કાર્ડ' બનાવી આપવામાં આવ્યા છે. ગામના વિકાસમાં ગીતાબેન મોદીની મહત્વની ભૂમિકા રહી છે. ગીતાબેન મોદી દ્વારા ભીલડી ગામની દીકરીઓ અને મહિલાઓને લગ્ન પ્રસંગે રૂપિયા 1100 અને પ્રસુતિ પ્રસંગે રૂપિયા 3100 ની સહાય આપવાની શરૂવાત કરવામાં આવી છે, જે એક પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે.