ડાયમંડ નગરી સુરતના માંગરોળ તાલુકામાં પાણી પુરવઠા દ્વારા જૂથ યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ જૂથ યોજનામાં 35 કરોડના ખર્ચે 48 ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી બનાવવામાં આવી હતી, પરંતુ પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા આ જૂથ યોજનાનું પાણી માત્ર 12 ગામ પૂરતું જ સીમિત રહી ગયું છે અને પાણી મોટા ભાગના ગામોમાં નથી પહોંચી રહ્યું. પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થયું તેને 1 વર્ષથી વધારે સમય વિતી ગયો હોવા છતાં તેનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.
સુરતના આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યાએ હંગામો મચાવ્યો... - Surat
સુરતઃ ઉનાળો શરુ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાએ હંગામો મચાવી દીધો છે. ત્યારે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર જેવા કે માંડવી, ઉમરપાડા અને માંગરોળ વિસ્તારમાં પાણીની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. સરકારે આ પાણીની સમસ્યા દૂર કરવા માટે અનેક પ્રોજેક્ટ તો બનાવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીને કારણે લોકો સુધી પાણી પહોંચી શકતું નથી અને લોકો પાણીની હાલાકી ભોગવી રહ્યા છે.

આ બધું જોતા લાગી રહ્યુ છે કે, અધિકારીઓને માત્ર પગાર લઈ આરામથી પોતાના AC કાર્યાલયમાં બેસવામાં જ વધુ રસ છે. માત્ર ને માત્ર અધિકારીની બેદરકારીને લીધે 48 ગામના લોકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે. ગામના સરપંચના કહેવા પ્રમાણે પાણી પુરવઠા વિભાગે ગામે ગામ પંપ તો ઉભા કરી દીધા પણ એ પંપનું સમારકામ કરવાનું આવે તો અધિકારી કહે છે કે, આ કામો તો ગ્રામ પંચાયતમાં આવે છે. જેથી તેનું સમારકામ પંચાયતે જ કરવું જોઈએ, પરંતુ ગામની પરિસ્થિતિના હિસાબે જો જોવા જઈએ તો ગ્રામ પંચાયતની આવકનો કોઈ સ્ત્રોત નથી, ગ્રાન્ટમાં આવેલા પૈસા ગામના રોડ રસ્તામાં ખર્ચ થઇ જાય છે તો આવા સંજોગોમાં પાણી માટે પંપનું સમારકામ પંચાયત કેવી રીતે કરી શકે?
ગ્રામજનોની વારંવાર રજુઆત છતાં અધિકારીઓ ગામની મુલાકાત કરવા માટે પણ આવવા તૈયાર નથી, હવે સરકાર આવા બેદરકાર અધિકારીઓ સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું છે.