બનાસકાંઠા : જિલ્લામાં સતત કોરોનાના પોઝીટીવ કેસ વધતા આંક 131ને પાર થયો છે. આ સાથે ડીસામાં હવે લોકલ સંક્રમણના કેસ શરૂ થતાં સમગ્ર નગરવાસીઓ ચીંતીત છે, ત્યારે ડીસા મામલતદાર કચેરી ખાતે વહીવટ તંત્રની વિવિધ વેપારી એસોસિએશન સાથે બેઠક મળી હતી. જેમાં ડીસા નાયબ કલેકટર એચ એમ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીવાયએસપી ડૉ.કુશલ ઓઝા, મામલતદાર એ જે પારધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને ડીસામાં વધી રહેલા કેસને લઈને ડીસાનું બજાર સવારે 8 કલાકથી બપોરના 4 કલાક સુધી ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડીસામાં કોરોના વાઇરસના વધતા જતા કેસ વચ્ચે તંત્રની બેઠક યોજાઈ
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં સતત કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે, ત્યારે ચિંતાજનક હદે વધી રહેલા કેસને લઈને ડીસા મામલતદાર કચેરી ખાતે ખાસ બેઠક મળી હતી. જેમાં ડીસા શહેરને 4 કલાક બાદ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત જિલ્લાની એકમાત્ર શાક માર્કેટ જે ડીસામાં આવેલી છે તે માર્કેટ રાત્રે ખોલવા વેપારીઓ સ્વેચ્છાએ તૈયારી દર્શાવી હતી. જોકે સાથે સોશીયલ ડિસ્ટન્સ જાળવવા સાથે ભીડ એકઠી ન થાય તેની તકેદારી રાખવા પણ આદેશ કરાયા હતા. જોકે પોલીસ કડક બની વગર કામે લટાર મારવા નીકળતા લોકો સામે કાર્યવાહી કરવા અને ટોળું એકઠુ થયેલા હોય તો તેમની સામે કાર્યવાહી કરવા નાયબ કલેકટરએ આદેશ કર્યો હતો.
રાજ્ય સહિત જિલ્લામાં એક તરફ લોકલ સંક્રમણના કેસ વધી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર તો તેનું કામ કરે જ છે, પરંતુ લોકો પણ જાગ્રુત બની સાવચેતી રાખે તો જ કોરોનાને માત આપી શકાય તેમ છે.