બનાસકાંઠાઃ જિલ્લામાં એક પછી એક વધુ કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વધુ કોરોના વાઇરસના કેસો સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી ગઈ છે.
ગુજરાત સરકાર દ્વારા હાલમાં તમામ લોકોને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે હાલ કોરોના વાઇરસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ અમદાવાદ ખાતેના શાહીબાગથી આવેલી કોરોના પોઝિટિવ મહિલાના પરિવારના બે લોકોને કોરોના પોઝિટિવના રિપોર્ટ આવતા તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે .
ડીસામાં સતત વધતા કોરોના પોઝિટિવ કેસોને લઈ તંત્ર ચિંતિત આરોગ્ય વિભાગે પણ દર્દીઓના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનોના સેમ્પલ લઈ તેમની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ એક જ વિસ્તારમાં કોરોના વાઇરસના ચાર કેસ મળી આવતા આ વિસ્તારમાંથી વધુમાં વધુ લોકોના સેમ્પલ લેવાનું કામ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કર્યું છે.
જેમાં ડીસાના સોની બજાર વિસ્તાર પાસે આવેલા ઢેબર રોડ વિસ્તારમાં અગાઉ ત્રણ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણેય લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોરોના વાઇરસના પોઝિટિવ કેસ મળતા જ આ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી લોકોની અવર-જવર પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે પ્રમાણે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેની સાથે આરોગ્ય વિભાગની સાથે સાથે લોકોમાં પણ ફફડાટ ફેલાઈ રહ્યો છે. તો આ તરફ ડીસા શહેરમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસોના કારણે આરોગ્ય વિભાગની સાથો સાથ પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે અને હાલ ડીસા શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો ન થાય તે માટે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ખાસ કરીને સોની બજાર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને ડીસા શહેરની અંદર જતા તમામ રસ્તાઓ પણ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાલ જે લોકો કામ સિવાય બહાર નીકળી રહ્યા છે. તે તમામ લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે સતત વધતા જતા કોરોના વાઇરસના કેસો ઓછા થાય તે માટે હાલ પોલીસ અને આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે.