- ડીસામાં વધુ એક દુકાનમાં લાગી આગ
- એન. આર. માર્કેટમાં આવેલી દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
- આગમાં વેપારીને લાખોનું નુકસાન
બનાસકાંઠાઃ જિલ્લામાં આગની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ક્યાંક અકસ્માતમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે, તો ક્યાંક શોર્ટસર્કિટના કારણે આગની ઘટનાઓ બની રહી છે. જિલ્લામાં છેલ્લા બે-ત્રણ મહિનાથી સતત આગની ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે ગુરૂવારે ડીસામાં વધુ એક આગની ઘટના સામે આવી છે. જેમાં દુકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
ડીસાના એન. આર. માર્કેટમાં આવેલી એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ દુકાન માલિક સહિત આજુબાજુના લોકો દોડી આવી ફાયર બ્રિગેટને જાણ કરી હતી. બનાવને પગલે ફાયર બ્રિગેડની ટીમે આવી સતત 5 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં દુકાનમાં રહેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં 4.81 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 17 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું દુકાન માલિકે જણાવ્યું છે.