બનાસકાંઠા: ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપ શાસિત નગરપાલિકાએ સોપાન સંભાળ્યુ છે, ત્યારથી ડીસા નગરપાલિકા વિસ્તારમાં અનેક વિકાસના કામો થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ડીસા શહેરના વિકાસ માટે ગટર રોડ અને પાણી માટેની સુવિધાઓ કરવામાં આવી છે, પરંતુ આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં આજે પણ લોકો ડીસા નગરપાલિકાની સુવિધાઓથી વંચિત છે. ડીસાના અનેક વોર્ડમાં કામો કરવામાં ન આવતા લોકો ભાજપ શાસિત નગરપાલિકાનો વિરોધ કરી રહ્યા છે.
ડીસાના રત્નાકર સોસાયટીના લોકો વર્ષોથી રોડથી વંચિત, નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો
ડીસા નગરપાલિકા વિસ્તારમાં આવતા રત્નાકર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવામાં ન આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે શુક્રવારે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકાનો વિરોધ દર્શાવ્યો હતો અને આ વિસ્તારને તાત્કાલિક ધોરણે રસ્તો બનાવી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
ડીસા શહેરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ક્યાંકને ક્યાંક ડીસા નગરપાલિકા પ્રમુખ દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાં સુવિધાઓ પૂરી ન કરવામાં આવતા લોકો તેનો વિરોધ દર્શાવી રહ્યા છે. ડીસા શહેરમાં આજે સૌથી મોટી સમસ્યા રોડ અને પાણીની જોવા મળી રહી છે. અનેક વાર ડીસા નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં ડીસા નગરપાલિકાના સત્તાધીશોને જાણે ડીસા વાસીઓની કઈ પડી જ ન હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે વાત કરવામાં આવે તો ડીસાના રત્નાકર સોસાયટીમાં સોથી વધુ પરિવાર વસવાટ કરે છે. આ વિસ્તારના લોકો દર વર્ષે નગરપાલિકાના તમામ વેરા ભરે છે, પરંતુ આ વિસ્તારના લોકોએ છેલ્લા ઘણા સમયથી રોડ નથી જોયો. આ વિસ્તારના લોકોએ રોડ બનાવવા માટે અનેક વાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યો નથી, ત્યારે આજે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અનેક વાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારના લોકોને રોડ મળ્યો નથી, ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે ડીસા નગરપાલિકા પ્રમુખ દ્વારા આ વિસ્તારની મુલાકાત લઇ અને રોડ બનાવી આપવામાં આવે તો આ વિસ્તારના લોકોને કાયમી રોડનું નિરાકરણ આવે તેમ છે.
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને ડીસા શહેરમાં છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં રોડ ન હોવાના કારણે અહીંયા વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેના કારણે અહીં લોકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. આ વિસ્તારમાં મોટા ભાગે નાના બાળકો પણ બહાર રમતા હોય છે, ત્યારે આવા સમયે આ વિસ્તારમાં કોઈ મોટી બીમારી ફેલાય તે પહેલા ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં રોડ બનાવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠવા પામી છે.