- બનાસકાંઠા જિલ્લામાં હોળી અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી
- ડીસા તાલુકાનું રામસણ ગામ આજે પણ નથી ઉજવાતો હોળી-ધુળેટીનો પર્વ
- ગામમાં હોળી ધુળેટીના પર્વની જગ્યાએ લોકો ક્રિકેટ મેચ રમી દિવસ પસાર કરે છે
બનાસકાંઠા:આમ તો હોળી અને ધૂળેટીનો તહેવાર રાજસ્થાન લોકોનો સૌથી પ્રિય તહેવાર માનવામાં આવે છે. પરંતુ, રાજસ્થાનના લોકો છેલ્લા ઘણા વર્ષોથી અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયેલા હોવાના કારણે આજે મોટાભાગના રાજ્યોમાં હોળી અને ધૂળેટીના પર્વની લોકો દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લો પણ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે લોકો હોળી અને ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરે છે. બનાસકાંઠા જિલ્લામાં હોળીના પર્વ નિમિત્તે નાના બાળકોને ઢુંઢનું એક અનેરૂ મહત્વ રહેલું છે. હોળીના દિવસે લોકો હોલિકા દહન કરી હોળી માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને બીજા દિવસે અબીલ ગુલાલથી ધુળેટીના પર્વની અનોખી ઉજવણી કરતા હોય છે. આમ, બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકો હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરે છે.
આ પણ વાંચો:હોળી-ધુળેટી પર્વને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન
રામસણ ગામ આજે પણ નથી ઉજવતો હોળી- ધુળેટીનો પર્વ
આજે ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં, 200 વર્ષોથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવતી નથી. સમગ્ર દેશમાં જ્યાં હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી ઉલ્લાસ સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે, ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોકો હોળીનો પર્વ ઉજવતા નથી. આ એજ ગામ છે જ્યાં આશરે 200 વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી. વર્ષો પહેલા હોળી પ્રગટાવતા જ ગામમાં ભયંકર આગ લાગી હતી અને આ ગામના અનેક ઘરો બળીને રાખ થઈ ગયા હતા તે બાદ ફરી બે વાર હોળી મનાવવામાં આવી હતી. ત્યારે, ફરી આ ગામમાં આગ લાગી હતી અને આખું ગામ આગના લપેટામાં આવી ગયું હતું. બાદમાં, આ ગામના વડીલોએ ભેગા મળીને નક્કી કર્યું કે, આજ પછી રામસણ ગામમાં ક્યારે હોળી પ્રગટાવવામાં આવે નહીં. જો ગામમાં સુરક્ષા રાખવી હોય તો આ ગામમાં ક્યારે હોળી પ્રગટે નહીં જે પરંપરાને જાળવી રાખી આજે પણ આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.