બનાસકાંઠા: પાલનપુર કલેકટર કચેરી ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં નાના કર્મચારીઓથી લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી ખુબ સરસ કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આવી જ રીતે આગળના સમયમાં પણ કરતા રહેશો તો કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે.
પાલનપુર ખાતે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
જિલ્લામાં કોવિડ-19ની પરિસ્થિતિ સંદર્ભે ભવિષ્યની કોઇપણ સ્થિતિને પહોંચી વળવા તંત્રને એલર્ટ રહેવા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય સચિવે સઘન સર્વેલન્સ પર ભાર મુકતાં જણાવ્યું કે જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેવા વિસ્તારો, શહેરો અને ગામડાઓમાં સઘન સર્વેલન્સ ચાલુ રાખી તે વિસ્તારમાં કોઇ શંકાસ્પદ દર્દી જણાઇ તો તાત્કાલીક તેને સારવાર મળે તેની ખાસ કાળજી રાખવી. લોકો જાહેરમાં થૂંકે નહીં, માસ્ક પહેરવાની આદત પાડે તે માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસે દંડ વસૂલવા સહિતના કડક પગલાં લેવા તેમણે જણાવ્યું હતું. કોરોના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવા તમામ પ્રયાસો કરવા સૂચના આપી હતી. કલેકટર કચેરી ખાતે કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ-વોર રૂમથી જિલ્લાની કોવિડ હોસ્પીટલો, કન્ટેઇનમેન્ટ ઝોન, સોશિયલ ડિસ્ટન્સીંગ સહિત પબ્લીક મુવમેન્ટ પર CCTVના માધ્યમથી વોચ રાખવી અને કોવિડ પોઝીટીવ દર્દીઓ અને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓનું પણ નિયમિત ફોલોઅપ લેવા જણાવ્યું હતું.
આગામી બે મહિનાને ધ્યાનમાં લઇ કોવિડ હોસ્પીટલ માટે ખાનગી હોસ્પીટલો સાથે MOU કરવામાં આવ્યા છે. પોઝિટિવ દર્દીઓનું રોજે રોજ મોનીટરીંગ કરાઇ છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ તેમજ હોમ આઇસોલેશનમાં રાખેલા દર્દીઓનું પણ નિયમિત મોનીટરીંગ અને માઇક્રો કન્ટેઇમેન્ટમાં સરકાર દ્વારા સુચવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું હોવાનું કલેકટરે જણાવ્યું હતું.