- બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો ભય
- વાવ, થરાદ, ભાભર, ધાનેરા, અમીરગઢ જેવા વિસ્તારો બંધ
- શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવાયા
બનાસકાંઠા : હાલના સમયમાં કોરોના કરતા કોરોનાનાં ડરના કારણે કેટલાય લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને મરી રહ્યા છે. કોરોનાના આ કહેરથી બચવા માટે સૌપ્રથમ માનસિક સ્થિતિ સુધારવાની જરૂર છે. માનસિક રીતે સ્વસ્થ હશે તો કોરોનામાં અડધી બાજી માણસ આપોઆપ જીતી જાય છે. લોકોને માનસિક રીતે મજબૂત બનાવવા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોક જાગૃતિ અને સેવાકીય કાર્ય કરતા માનવતા ગ્રુપ દ્વારા ભાભર શહેરના મુખ્ય માર્ગો પર સકારાત્મક ઉર્જા ભરે એવા બેનર લગાવવામાં આવ્યા છે.
ડીસા અને પાલનપુરમાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ
હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અત્યાર સુધી શહેરી વિસ્તારોમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા હતા, પરંતુ હવે દિવસેને દિવસે શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના વાઈરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોના વાઈરસના કેસ હાલમાં શહેરી વિસ્તાર ગણાતા ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. જેના કારણે હાલમાં તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.
ગ્રામીણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ પણ પાળી રહ્યા છે
સતત વધતા જતા કોરોના દર્દીઓની સંખ્યાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારના લોકોની થયેલી અવરજવરના કારણે તેમનામાં સંક્રમણ વધ્યું હતું. જેના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ સતત કોરોના વાઇરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, ભાભર, ધાનેરા, અમીરગઢ જેવા ગ્રામીણ વિસ્તારોમાં સતત વધતા જતા કોરોના વાઈરસના કેસના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જેના કારણે આ તમામ ગ્રામીણ વિસ્તારો હાલ સ્વૈચ્છિક બંધ પણ પાળી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો
લોકોમાં વધેલા સંક્રમણના કારણે હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં રોજના 50થી પણ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. સતત વધતા જતાં કોરોના કેસ વચ્ચે તેમને સમયસર સારવાર પણ નથી મળી રહી, જેના કારણે અત્યાર સુધી અનેક લોકોના મોત પણ થયા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે હવે શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે ભયનો માહોલ સર્જાયો છે.