બનાસકાંઠામાં અંબાજી ખાતે મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે અને આ મેળા દરમિયાન 20 લાખથી વધુ લોકોમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે. માં અંબાના દર્શને જતા પદયાત્રિકો માટે અનેક સેવાભાવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડીસા પાલનપુર હાઈવે પર પણ રાવણા રાજપુત સમાજ દ્વારા પદયાત્રિકો માટે ચા નાસ્તાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, તે દરમિયાન કેટલાક શખ્સોએ અંગત અદાવત રાખી કેમ્પ સંચાલક રણજીતસિંહ રાજપૂત પર જીવલેણ હુમલો કર્યો હતો.
અંબાજી સેવા કેમ્પના સંચાલક પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો - બનાસકાંઠા
બનાસકાંઠા: ડીસા પાલનપુર હાઈવે પર એક સેવા કેમ્પના સંચાલક પર અંગત અદાવત રાખી કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં કેમ્પ સંચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ડીસા અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રણજીત સિંહ રાજપુત જ્યારે પદયાત્રિકોને સેવા કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક કેટલાક શખ્સોએ ખુલ્લી તલવાર વડે તેના પર જીવલેણ હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતાં અન્ય સંચાલકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હુમલામાં ઘાયલ થયેલા રણજીત સિંહ રાજપુતની તબિયત વધારે નાજુક હોવાથી તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને હુમલો કરનાર નરેશ ઠાકોર સામે 307 મુજબનો ગુનાથી વધુ તપાસ હાથ ધરી છે.