બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સીપુ. યોજનાનું સ્ટ્રકચર બનાવવાના કારણે પાણી નહીં મળી શકે. આ ઉપરાંત નગરમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ છે.
થરાદની મુખ્ય નહેરમાં 18થી 24 સપ્ટેમ્બર સુધી પાણી બંધ રહેશે - પાણીની સમસ્યા
નર્મદા વિભાગ દ્વારા 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન નર્મદાની મુખ્ય નહેરની સાંકળ 431.200 કિમી ઉપર એસ.આર. બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મુખ્ય નહેરમાં ખાનપુર અને વામી વચ્ચે પાણી પુરવઠો બંધ રાખવાનો પરિપત્ર જાહેર થયો છે. જેના લીધે થરાદ-વાવ પંથકમાં ગ્રામ્ય વિસ્તારો તથા શહેરને પીવા માટેના પાણીની અસર થવાની દેહશત છે.
આ અંગે નર્મદા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા મુખ્ય નહેરમાં તારીખ 18/9/2020થી 24/9/2020 સમયગાળા દરમિયાન થરાદ સીપુ પાઈપલાઈનના હેડ રેગ્યુલેટર કામગીરી અંતર્ગત કોફર ડેમ બનાવવાનું કામ શરૂ કરવાનું હોવાથી નર્મદા મુખ્ય નહેરમાં પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવશે. તે દરમિયાન નર્મદા મુખ્ય નહેરની સાંકળ 424 ખાનપુરથી 440 વામી સુધી પાણીનો પ્રવાહ સદંતર બંધ રાખવામાં આવશે.
આ ઉપરાંત જણાવ્યું હતું કે, ત્યાં પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રહેશે. આગામી સમયગાળા દરમિયાન પાણીના જથ્થાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની પણ જાણ કરાઈ છે. હાલ, કામગીરી પૂર્ણ થયા પછી પાણી છોડવામાં આવશે.