- ડીસા નગરપાલિકાનો ઉડતો વિકાસ
- ડીસાનો ભોપાનગર વિસ્તાર ગંદકીમાં ગરકાવ
- અનેક રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય
- નગરપાલિકાના વિકાસ પર અનેક સવાલો
બનાસકાંઠાઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શહેરી વિસ્તારના વિકાસ માટે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ આ ગ્રાન્ટનો કયા પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તે એક મોટો સવાલ છે. હાલમાં ડીસા નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડીસા શહેરના વિકાસ માટે ભૂગર્ભ ગટરનું કામ અને નવા રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ દર વર્ષે ડીસા શહેરના તમામ વિસ્તારો સ્વચ્છ રહે તે માટે સરકાર દ્વારા લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ આજે પણ ડીસાના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં નજર કરો ત્યાં માત્ર કચરાના ઢગલા અને ગંદકી નજરે પડી રહી છે.
લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો
વિકાસના મોટા મોટા દાવા કરતી ડીસા નગરપાલિકાનો જો સાચો વિકાસ નિહાળવો હોય તો એકવાર ભોપાનગર વિસ્તારની મુલાકાત લેવી પડે. આ વિસ્તારમાં રસ્તાઓ તો છે, પરંતુ આ રસ્તાઓ ચાલવા લાયક બિલકુલ નથી. કારણ કે, વિસ્તારમાં જે રસ્તાઓ હતા તે રસ્તાઓ પર સફાઈનો અભાવ હોવાના લીધે ગંદકીથી ખદબદી ઉઠ્યા છે. આ ઉપરાંત અહીંના આંતરિક રસ્તાઓ પર ગટરોનું ઉભરતું પાણી વહી રહ્યું છે. આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના લોકોની વારંવારની રજૂઆત બાદ ડીસા નગરપાલિકા દ્વારા અહીં ગટરની પાઇપલાઇન નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાના ખાડે ગયેલા વહીવટના દ્રશ્યો તમારી સામે છે. અહીં પાઇપલાઇન નાખવાની કામગીરી તો શરૂ કરાઇ છે, પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ રસ્તામાં પાઇપોને પાથરી દેવામાં આવી છે અને ઠેકઠેકાણે જોડાણો વગર ખૂલ્લી હાલતમાં આ પાઇપો પડી છે, ત્યારે આ વિસ્તારના લોકોએ આજે એટલે કે રવિવારે પાલિકા દ્વારા આ વિસ્તારની કરવામાં આવતી ઘોર ઉપેક્ષાને લઈ આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.