સરકાર દ્વારા અન્ય દેશોમાં કતલખાને પશુઓની નિકાસ કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં કચ્છના તૃણા બંદરેથી જળ માર્ગે પશુઓની નિકાસ થાય છે. જેમાં પશુઓના નિકાસ માટે સરકારી પશુ ડોક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે તો જ તે પશુઓને અન્ય કોઈપણ માર્ગે અથવા અન્ય દેશોમાં મોકલી શકાય છે. ઉપરાંત સરકારી નિયમ મુજબ 1 દિવસમાં 96 પશુઓના જ સર્ટીફિકેટ ડો. દ્વારા ઇશ્યુ કરી શકાય છે. પરંતુ દિયોદર તાલુકાના ચિભડા ગામના ખાનગી પશુ તબીબ નયન પઢાર દ્વારા પ્રતિ દિવસ 4 હજાર જેટલા પશુઓના ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યા હોવાનું ડીસા રાજપૂર પંજારાપોળના જાગૃત સંચાલક દ્વારા માગેલી જાહેર માહિતી અંતર્ગત જાણવા મળ્યું હતું.
દિયોદરમાં પશુઓની તપાસમાં ગેરરીતી બહાર આવી જો કે, જીવદયા પ્રેમીઓના જણાવ્યાં અનુસાર પશુ ફિટનેસ સર્ટી આપનાર ડોક્ટર સરકારી નિયમ હોવા છતાં પણ ખાનગી તબીબે તારીખ 30થી 31 ઓગસ્ટ એમ 2 દિવસ દરમિયાન 8759 જેટલા પશુઓના ફિટનેસ સર્ટિફિકેટ આપ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે તમામ સર્ટીઓ ગેરકાયદેસર રીતે આપી પશુઓને પણ ગેરકાયદેસર રીતે કતલખાને મોકલતા હોવાની લેખિત ફરિયાદ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી.
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન કચ્છના તુણા બંદરે તારીખ 1થી 5 સપ્ટેમ્બર દરમિયાન કુલ 16,554 પશુઓની નિકાસ કરાઇ હતી. આ માટે જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા બનાસકાંઠા કલેક્ટરને 48 કલાક દરમિયાન યોગ્ય પગલાં લેવા માટે રજુઆત કરાઇ હતી. જો યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવાશે તેવી જીવદયા પ્રેમીઓએ ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે બીજી તરફ પશુ તબીબ પોતાને નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે અને તેઓ ખાનગી તબીબ હોવાના કારણે તેમની 15 માણસોની ટીમ દ્વારા 18 કલાક કામ કરી પશુઓના આરોગ્ય ચકાસણીના સર્ટી આપ્યા છે. તેમજ આ તમામ સર્ટી માત્ર ટ્રાવેલિંગ માટે પશુ સક્ષમ છે કે, નહીં તેના માટે જ આપવામાં આવ્યા હતાં. તેમજ કતલખાના માટેના નિયમો અલગ છે. તેમ જણાવ્યું હતું.
આ બાબતે બનાસકાંઠા જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને પાંજરાપોળ સંચાલકોની ફરિયાદના આધારે જિલ્લા પશુપાલન અધિકારીએ તપાસ હાથ ધરી હતી. તેમજ સર્ટી આપનાર તબીબને પણ નોટિસ આપી તેના સર્ટીઓ મામલે તપાસ કરશે તેમ જણાવ્યું હતું.