- તાજેતરમાં જ રાજ્ય ચૂંટણી પંચે તારીખો જાહેર કરી હતી
- ડીસા નગરપાલિકા છેલ્લા 5 વર્ષથી ભાજપનો ગઢ
- ગત વર્ષે ચૂંટણીમાં હારેલી કોગ્રેસે જીત માટે શરૂ કર્યો પ્રચાર
બનાસકાંઠા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ દરેક પક્ષે પોતાની જીત માટે અત્યારથી જ પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે આગામી સમયમાં યોજાનારી ડીસા નગરપાલિકામાં કોંગ્રેસ પોતાની જીત મેળવવા માટે પ્રચાર કરવાના શ્રીગણેશ શરૂ કર્યા છે.
ગત વર્ષની ચૂંટણીમાં કોગ્રેસના માત્ર 6 ઉમેદવારો જ જીત્યા હતા
ડીસા નગરપાલિકાની ગત ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 6 ઉમેદવારો વિજય બનતા નગરપાલિકામાંથી તેમનું શાસન નીકળી ગયું હતું ગત વર્ષે ભાજપમાં 21 સભ્યો તેમજ અપક્ષના 17 સભ્યો નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનતાની સાથે જ કોંગ્રેસનો કારમો હાર થયો હતો ડીસા નગરવાસીઓ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના શાસનમાં વિકાસના કામો જોયા ન હતા જેના પરિણામે ગત ટર્મમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ નગરપાલિકામાં વિજય બનતા ભાજપે નગર પાલિકાનું શાસન સંભાળ્યું હતું પરંતુ આ વર્ષે અત્યાર થી જ કોંગ્રેસે ફરી એકવાર નગરપાલિકામાં જીત મેળવવા માટે પ્રચાર શરૂ કરી દીધા છે.
આ વર્ષે જીતવા માટે અત્યારથી પ્રચાર શરૂ
બનાસકાંઠાનાં ડીસામાં પણ નગરપાલિકાની ચૂંટણીની તારીખની જાહેરાત થતા જ કોંગ્રેસ સક્રિય બની ગઈ છે અને વોર્ડ વાઇઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસનાં પ્રભારી નરેન્દ્ર પટેલ, ડીસા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ પી પી ભરતીયા સહિત કોંગ્રેસનાં આગેવાનોની ટિમ વોર્ડ નંબર 6માં પહોંચી હતી. તેઓએ સ્થાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ભાજપનાં શાસનમાં લોકોની સમસ્યાઓ ઘટવાને બદલે વધી હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ આગેવાનોએ કર્યા હતા. જેથી આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા લોકોને અપીલ કરી હતી.