પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અત્યાર સુધી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી મોતને વહાલું કર્યું છે. જેમાં થરાદ પાસેથી નર્મદા વિભાગની મેઈન કેનાલ પસાર થાય છે અને આ કેનાલમાં અત્યાર સુધી અનેક લોકોએ કંઈકને કંઈક કારણોસર કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું છે, ત્યારે રવિવારે વધુ એક યુવકે અગમ્ય કારણોસર થરાદ પાસે પસાર થતી નર્મદા વિભાગની મેઇન કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો - થરાદમાંથી પસાર થતી મેઈન નર્મદા કેનાલ
થરાદમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી રવિવારે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે યુવકનો મૃતદેહ નગરપાલિકાની ટીમ દ્વારા બહાર કાઢી યુવકે કયાં કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
જે યુવકનો મૃતદેહ પાણીમાં તરતી હોવાની જાણ આજુબાજુમાંથી પસાર થતા લોકોને થતા તાત્કાલિક ધોરણે આ બનાવની જાણ નગરપાલિકામાં કરવામાં આવી હતી. નગરપાલિકાના તરવૈયા દ્વારા આ યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવક કયા ગામનો છે અને કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જ્યાં તપાસ દરમિયાન આ યુવક વાવ તાલુકાના વેજીયાવાસનો ટીનાભાઈ વાઘાભાઈ નાઈ હોવાનું બહાર આવ્યું હતું. થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં અવારનવાર બનતા આત્મહત્યાના બનાવોથી લોકોની માગ છે કે, તાત્કાલિક ધોરણે રોજબરોજના બનતી આવી ઘટનાઓ અટકે તે માટે આ કેનાલની આજુબાજુ સરકાર દ્વારા ફેન્સીંગ કરવામાં આવે જેનાથી આગામી સમયમાં જે બનાવો બને છે તે અટકી શકે.