- પાલનપુર પાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીથી નારાજ કાર્યકરો સામે કાર્યવાહી
- ટિકિટ નહીં મળતાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ તેમજ પૂર્વ નગરસેવકોએ નોંધાવી AAPમાંથી ઉમેદવારી
- જિલ્લા ભાજપ મહામંત્રીએ પ્રેસનોટમાં 6 વ્યક્તિઓના સસ્પેન્શનની યાદી જાહેર કરી
બનાસકાંઠા: પાલનપુર નગરપાલિકા બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી નગરપાલિકા છે. શહેરના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ ચૂંટણીમાં જીત મેળવવા એડીચોટીનો જોર લગાવી રહ્યાં છે, ત્યારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ ચૂંટણીમાં ત્રણ વખત જીતી ચૂકેલા નગરસેવકોને રિપીટ નહીં કરવાનો નિર્ણય લેતાં પાલનપુરમાં અનેક નગરસેવકોની ટિકિટ કપાઈ હતી. આ જુના જોગીઓ વિરોધમાં જાય નહીં તે માટે આવા સિનિયર આગેવાનોના પુત્રો તેમજ પત્નીઓને ભાજપે પાલનપુરમાં ટિકિટ ફાળવી હતી. જેને લીધે શહેરમાં વર્ષોથી પક્ષમાં પાયાના કાર્યકર તરીકે ફરજ બજાવતાં કાર્યકરોએ પક્ષ પર વંશવાદનો આરોપ મૂકી વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભરત પટેલે વિરોધ નોંધાવી AAPમાંથી વોર્ડ નંબર 8માં ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવીકા ભારતી ઠાકોરની ટિકિટ કપાતાં તેમણે પણ વોર્ડ નંબર 7 માંથી AAP માંથી ઉમેદવારી નોંધાવી છે. આમ કુલ 6 વ્યક્તિઓએ ટિકિટ નહીં મળતાં બળવો કર્યો છે. જેથી તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરાયા છે. જે અંગેની માહિતી જિલ્લા ભાજપ મહામંત્રી ડાહ્યા પીલીયાતરે એક અખબારીયાદીમાં આપી છે.