- 2 ડિસેમ્બરે યોજાઈ હતી ચૂંટણી
- અનેક પેનલો સામે હોવા છતાં ફરી એક વખત વિકાસ પેનલનો વિજય
- પરિવર્તન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ
- આજે ફરી એકવાર વિકાસ પેનલે માર્કેટયાર્ડની સત્તા સંભાળી
અનેક પેનલો સામે હોવા છતાં ફરી એકવાર વિકાસ પેનલનો વિજય
બનાસકાંઠાઃ સરહદી પંથકમાં ભાભર માર્કેટયાર્ડમાં 16 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા 2 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં વેપારી વિભાગની 4 બેઠકો અને 2 ખરીદ વેચાણ વિભાગની બેઠકો બિનહરીફ થતાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 10 બેઠકોના 24 ઉમેદવારો માટે 813 મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
પરિવર્તન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ચૂંટણી જંગ
ભાભર માર્કેટયાર્ડમાં કેટલાય વર્ષોથી વિકાસ પેનલ સત્તારૂઢ છે, ત્યારે માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન હોવાથી વિકાસ પેનલ દ્વારા તમામ બેઠકો ઉપર તેમનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. તો આ વખતે વિકાસ પેનલના સામે ઉભી રહેલી પરિવર્તન પેનલ દ્વારા સતા ઉપર રહેલી વિકાસ પેનલ ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેમને અનેક પ્રકારે ભ્રષ્ટાચાર આચર્યા છે. જેથી આ વખતે પરિવર્તન આવશે અને અમારી પરિવર્તન પેનલની જીત થશે, પરંતુ માર્કેટયાર્ડની મતગણતરી પૂર્ણ થતાં ફરી એક વખત ભાભર માર્કેટયાર્ડની ચૂંટણીમાં વિકાસ પેનલની બહુમતીથી વિજય થયો હતો. વિકાસ પેનલના ઉમેદવાર લાલજીભાઈએ જણાવ્યું હતું કે આ ખેડૂતોના વિકાસની જીત થઈ છે.
આજે ફરી એકવાર વિકાસ પેનલે માર્કેટયાર્ડની સત્તા સંભાળી
બનાસકાંઠામાં ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગત 2 ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપ પ્રેરિત વિકાસ પેનલની બહુમતીથી જીત થઈ હતી. જે બાદ આજે ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનનો ચૂંટણી યોજાઈ હતી. જેમાં સામા પક્ષે કોઈ ફોર્મ ન આવતા ભાજપ પ્રેરિત વિકાસ પેનલના લીલાબેન લાલજીભાઈ પટેલની ચેરમેન પદે જયારે ગગાજી ઠાકોરની વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરાઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થતા તેમના સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી, તો ચેરમેન અને વાઇસ ચેરમેને ભાભર APMCના વિકાસમાં સહભાગી થવાની વાત કરી હતી. ચેરમેન લીલાબેનના પતિ લાલજીભાઈ પટેલે આ અંગે વાત કરી હતી.