- જલોત્રામાં વિચરતી વિમુકત જાતિના 140 પરિવારોએ રાહતનાં પ્લોટ મેળવવા કરી છે અરજી
- અરજી પેન્ડિંગ હોવા છતાં કોંગ્રેસશાસિત જિલ્લા પંચાયતે આપ્યો મનાઈ હુકમ
- કોંગ્રેસના મહિલા સભ્ય લક્ષ્મીબેન સામે જાતિવાદના ગંભીર આક્ષેપો
- કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતની અપીલ સમિતિએ મનાઈ હુકમ આપતા ગ્રામજનોમાં આક્રોશ
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે,પરંતુ કોંગ્રેસની બેધારી નીતિ આજે જાહેર થવા પામી હતી. એક તરફ કોંગ્રેશ દ્વારા રાજ્ય સરકાર પર વારંવાર આક્ષેપ કરવામાં આવે છે કે સરકાર ગરીબો અને વંચિતોને ન્યાય આપતી નથી. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ખુદ કોંગ્રેસ જ વિચરતી વિમુકતી જાતિના લોકોને રાહતના પ્લોટ મળે તે પહેલાં જ મનાઈ હુકમ ફટકારી ગરીબો સાથે અન્યાયપૂર્ણ નીતિ અપનાવી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. કોંગ્રેસ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં જલોત્રા સીટ પરથી કોંગ્રેસના લક્ષ્મીબેન કરેન ચૂંટાઈ આવ્યાં છે,પરંતુ જલોત્રા ગામે સરકાર દ્વારા વિચરતી વિમુકત જાતિના 140 લાભાર્થીઓને રાહતના પ્લોટ આપવાની પ્રક્રિયા શરૂ કરાઇ હતી.જેની અરજી જિલ્લા કલેકટર પાસે હાલમાં પેન્ડિંગ છે, તેમ છતાં જિલ્લા પંચાયતની મહિલા સભ્ય લક્ષ્મીબેને અંગત રસ લઇ અપીલ સમિતિમાં રાહત પ્લોટ આપવા મામલે મનાઈ હુકમ જ આપી દીધો. જેને લઈ આજે વિચરતી વિમુકતી જાતિના લોકો મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરીએ ઘસી આવ્યાં હતાં તેમજ જલોત્રા બેઠક પરથી જીતેલા લક્ષ્મીબેન તેમ જ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતાં.