: વાવ તાલુકાના ટડાવ ગામમાં રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી બનાસકાંઠા: વાવ તાલુકાનું ટડાવ ગામ હાલ પાણીમાં ગરકાવ થયું છે. રસ્તાઓ અને ગામની શેરીઓમાં પાણી ભરાયા છે. ગામના અને અવર-જવર કરનાર લોકો હાલ ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબુર થયા છે. સાથે જ જે લોકો વાહનો લઈને પસાર થાય છે તેમને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ટડાવથી ચોંટીલ ગામને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા આ રસ્તો છેલ્લા 2 મહિનાથી બંધ પડ્યો છે.
'હું સાબાથી આવતો હતો અને મારી ગાડીમાં ખાંડ છે. રસ્તાની હાલત એવી છે કે અહીંયા ટ્રેકટર પસાર થાય તો તે પણ ફસાઈ જાય. આજે નસીબ સારા છે કે મારી ગાડી નીકળી ગઈ. હું ગાડી ચલાવતો હતો ત્યારે પાણી મારી ગાડીના કેબીન સુધી આવી ગયું હતું.'-સંજય ભાઈ, (વાહનચાલક)
અધિકારીઓ સ્થિતિના દર્શન કરીને નીકળી જાય છે: ગામના રહેવાસી કમાભાઈ પરમાર જણાવે છે કે મારા પંદર વીઘા ખેતીમાં પાણી ભરાય ગયું છે. તંત્ર પાણી નીકળે તેવી કોઈ વ્યવસ્થા નથી કરતું ન તો રસ્તો ઉંચો કરવાની વ્યવસ્થા કરતું. શાળાએ જતા અમારા બાળકોને પણ ખુબ સમસ્યા વેઠવી પડે છે. અધિકારીઓ આવીને જોઈને જતા રહે છે પરંતુ કામગીરી કરતા નથી.
'છેલ્લા ત્રણ મહિનાથી અહીં પાણી ભરેલું છે અને અહીં દર વર્ષે પાણી ભરાય છે. જેના કારણે વાહન ચાલકોને અને ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી પડે છે. અમે પણ તાજેતરમાં બેથી ત્રણ વાર મુલાકાત લીધી છે. બોક્સ કલવર્ટ બનાવવા માટેની પણ સરકારમાં દરખાસ્ત કરી દીધી છે. અમારા તરફથી અમે ખેડૂતોને અને વાહન ચાલકોને આ રસ્તા પરથી ચાલવામાં તકલીફ ન પડે એવા પ્રયત્નો કર્યા છે'-- અંકિતભાઈ ચૌધરી (RNBના અધિકારી)
ખેડૂતોએ કરી માંગ:ખેડૂતોના જણાવ્યા અનુસાર આગમની સ્થિતિ વર્ષ 2015 બાદ દર વર્ષે આવી જ સર્જાય છે. હાલમાં ટડાવ ગામમાં આવેલા ખેતરોમાં મોટાભાગે વરસાદી પાણી ભરાયેલું છે. તેના કારણે ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી આ બાબતે ખેડૂતોએ અનેકવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરી છે પરંતુ માત્ર રજૂઆત કાગળો પર જ રહી જાય છે. ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઇ પાણીના નિકાલને કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
- Gujarat Rain Update: ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે, બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણની અસર નહિ થાય
- Tapi News: ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ 85 ટકા કરતાં વધુ ખેત વિસ્તારમાં રોપણી પૂર્ણ કરી