- બનાસકાંઠાનું સુલીપાણી ગામ છે પાયાની સુવિધાઓથી વંચિત
- રસ્તાના અભાવે અત્યાર સુધી 10 જેટલા વ્યક્તિઓ મોતને ભેટ્યા
- રસ્તાના અભાવે બીમાર વ્યક્તિઓને ખાટલની ઝોળી કરી સારવાર માટે લઈ જવાય છે
બનાસકાંઠા:આ જિલ્લાની કુલ વસ્તી 38 લાખ છે અને તે વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ અને અમદાવાદ બાદ ત્રીજા નમ્બરનો મોટો જિલ્લો છે. તેમ છતાં આઝાદીના આટલાં વર્ષો બાદ પણ બનાસકાંઠા જિલ્લો હજુ પણ પછાત જિલ્લાની વ્યાખ્યામાં જ આવે છે. જિલ્લાના 14 તાલુકાઓમાંથી 4 તાલુકાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. , દાંતા અને અમીરગઢ તાલુકાના તમામ ગામોમાં આદિવાસી સમાજ પોતાના રીતરિવાજો સાથે વસવાટ કરે છે. આઝાદીના આટલાં વર્ષો બાદ દેશ એક તરફ વિશ્વગુરુ બનવા તરફ ગતિ કરી રહ્યો છે, તો બીજી તરફ હજુ પણ કેટલાય ગ્રામજનો અંધકાર અને નર્કભરી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર છે. તેમાંથી એક છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું સુલીપાણી ગામ.
5 કિમીનો કાચો માર્ગ ચાલીને પસાર કરવાની મજબૂરી
ખેતરોની વચ્ચે પહાડી પર વસેલાં આ ગામમાં 800 જેટલા આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. તેમ છતાં ગામમાં આજદિન સુધી આવવા-જવા માટે કોઈ રસ્તો જ નથી બન્યો. સુલીપાણીથી છાપરા સુધી 5 કિમીનો માર્ગે બિસ્માર હોવાથી લોકોને પાંચ પાંચ કિલોમીટર સુધી ચાલીને આવવું પડે છે. એટલું જ નહીં કોઈ ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપડે તો પણ મહિલાઓને ખાટલાંની ઝોળી કરી સારવાર માટે લઈ જવાય છે અને 5 કિમી સુધીનું અંતર કાપતાં ઘણીવાર ઈલાજમાં મોડું થતાં મહિલા અને તેના ગર્ભમાં રહેલાં બાળકનું મોત પણ થઈ જાય છે. ગામની મહિલાઓ તેમજ બહેનોએ જણાવ્યું હતું કે, રસ્તો ન હોવાથી હોસ્પિટલ જવામાં મોડું થતાં અત્યારસુધી 10 જેટલાં લોકો મૃત્યુ પામ્યાં છે.
આ પણ વાંચો:મોરબીનો માળિયા તાલુકો વિકાસથી વંચિત, અનેક પાયાની સુવિધાઓનો અભાવ
ગત શનિવારે જ શ્વાસની બીમારીથી પીડિત મહિલાનું થયું મોત
છાપરા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્ય ભેરાભાઈએ જણાવ્યું હતું કે, રસ્તાના અભાવે કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને ખાટલાની ઝોળી કરી ઊંચકીને 5 કિમી છાપરા સુધી ચાલતાં આવવું પડે છે, જેને લીધે અનેક વાર સારવારમાં વિલંબ થતાં બીમાર વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગત શનિવારે જ બુમ્બડિયા કેડીબેન નામની મહિલાને શ્વાસ ઉપડતાં તેમને ખાટલાંમાં ઝોળી કરી નીચે લાવતી વખતે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.