ડીસા શહેરમાં અનેક જગ્યાઓ પર મોબાઈલ કંપનીઓ દ્વારા ઠેર ઠેર મોબાઇલ ટાવરો ઉભા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડીસામાં આવેલા મોબાઈલ ટાવરો હટાવવા બાબતે સ્થાનિક તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજે સવારે ડીસાની યોગેશ્વર સોસાયટીમાં આવેલ IDEA કંપનીના મોબાઈલ ટાવરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.
ડીસાના રહેણાંક વિસ્તારના મોબાઈલ ટાવરમાં અચાનક આગ લાગી, કોઈ જાનહાનિ નહીં - gujarati news
બનાસકાંઠાઃ ડીસામાં આવેલ યોગેશ્વર સોસાયટીમાં આજે વહેલી સવારે IDEA કંપનીના મોબાઈલ ટાવરમાં શોર્ટ સર્કિટથી અચાનક આગ લાગી હતી. જેથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.
આ બાબતે સ્થાનિક લોકોએ તાત્કાલિક મોબાઈલ ટાવરના ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા રાહુલને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાથે જ ટેકનિશિયને આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરને જાણ કરતા ઘટના સ્થળે આવી આગને કાબુમાં લીધી હતી. જ્યારે આ બાબતે IDEA કંપનીમાં ટેક્નિકલ તરીકે ફરજ બજાવતા રાહુલ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જ્યારે વધુમાં કોઈ જ પ્રકારની જાણકારી આપવાની ના પાડી હતી.
સોસાયટીના લોકોએ રહેણાંક જગ્યા પર બનાવેલ ટાવર બાબતે સ્થાનિક તંત્રને અનેકવાર રજુઆત કરવા છતાં આ ટાવર હટાવવા આવતું નથી. ત્યારે આજે સવારે લાગેલી આગથી લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. હાલ લોકોની તાત્કાલિક માગ છે કે, IDEA કંપનીના આ મોબાઈલ ટાવરને હટાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ધટના ન બને.