ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના ધાનેરમાં જામફળની સફળ બગાયતી ખેતી - સરહદી વિસ્તાર

બનાસકાંઠા જિલ્લો હવે દિવસેને દિવસે બાગાયતી ખેતી તરફ વળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા સર્જાતી હોય છે. તેમ છતાં પણ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો બાગાયતી ખેતી કરી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. સામાન્ય રીતે શિયાળામાં જોવા મળતા જામફળની ઉનાળામાં સફળ ખેતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતે કરી બતાવી છે. ભર ઉનાળે આ ખેડૂત દ્વારા જામફળ દ્વારા સારી એવી આવક મેળવવામાં આવી રહી છે.

જામફળની ખેતી

By

Published : Apr 10, 2021, 2:50 PM IST

  • ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીની વિકટ સમસ્યા સામે બગાયતી ખેતી તરફ વળ્યા
  • ખેડૂત દંપતિએ પોતાના ખેતરમાં જામફળનું વાવેતર કર્યું
  • ખેતરમાં 530 જેટલા જામફળના છોડનું વાવેતર કરી ઉપજ મેળવી

બનાસકાંઠા :જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો પાણીની વિકટ સમસ્યા સામે ઉભા છે. ભૂગર્ભના પાણી જતા રહેતા ખેતી કરવી મુશ્કેલ બની છે. ઓછા પાણી અને વરસાદના પાણીની બચત સાથે બાગાયત ખેતી તરફ ધાનેરા તાલુકાના ખેડૂતો આગળ વધ્યા છે. ધાનેરા તાલુકાના દેઠા ગામમાં રહેતા ખેડૂત દંપતિએ પોતાના ખેતરમાં જામફળનું વાવેતર કર્યું છે. ભર ઉનાળે પણ જામફળ ખાવાની ઈચ્છા થાય તો દેઠા ગામમા જામફળ મળી રહે તેમ છે. દેઠા ગામના નરશી પટેલ તેમજ મફી પોતાના ખેતરમાં 530 જેટલા જામફળના છોડનું વાવેતર કરી ઉપજ મેળવી રહ્યા છે.

બનાસકાંઠામાં સફળ જામફળની ખેતી
પાણીની સમસ્યાના કારણે ફળની આવક ઓછી થઈ


ધાનેરા તાલુકાના દેઠા ગામે રહેતા નરશીનો પુત્ર એન્જિનિયર છે. જેથી સોશિયલ મિડીયાના માધ્યમ થકી બાગાયત ખેતી કઈ સારી રહે તે માટે તેઓ એ છત્તીસગઢ રાજ્યમાંથી બરખા નામની જાત વાળા જામફળના ફળ વિશે માહિતી મેળવી તેના છોડ મંગાવ્યા હતા અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. જેના થકી ચાર વર્ષ દરમિયાન બે વાર જામફળના ફળથી આવક મેળવી રહ્યા છે. જોકે, પાણીની સમસ્યાના કારણે ફળની આવક ઓછી થઈ રહી છે. આઠ કલાક દરમિયાન માત્ર 30 મિનિટ પાણી જામફળના છોડને આપી શકાય છે.

બનાસકાંઠામાં સફળ જામફળની ખેતી

500થી પણ વધુ જામફળના છોડનું વાવેતર કર્યું

ધાનેરામાં જામફળની ખેતી કરનાર નરસિંહ પટેલ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમનો પુત્ર એન્જિનિયર છે અને તેને સોશિયલ મીડિયાના માધ્યમથી જામફળની ખેતી કરવાની સલાહ આપી હતી. જેથી પોતાના ખેતરમાં 500થી વધુ જામફળના છોડનું વાવેતર કર્યું હતું. છેલ્લા ચાર વર્ષથી આ ખેતીની સફળતામાંથી સારી કમાણી કરી રહ્યા છે. પાણી ઓછું હોવાના કારણે તેમને આવક થોડી ઓછી મળી રહી છે. શરૂઆતમાં જામફળની ખેતીનો કોઈ અનુભવ ન હોવાના કારણે તેમને પોતાનું ખેતર ઉધડ આપી દીધું હતું. પરંતુ જેમ-જેમ તેમને જામફળની ખેતીની જાણકારી થઈ તેમ આ વર્ષે બજારમાં તેમને સારા એવા ભાવ પણ મળી રહ્યા છે. પરંતુ હાલમાં તેમની આ સફળ ખેતી અન્ય ખેડૂતોને પણ પ્રેરણારૂપ બની છે.

આ પણ વાંચો : 1 વીઘામાં 3000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન, મેળવ્યું તગડું વળતર


દેશી ગાયના મળ મૂત્રનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળની ખેતી કરી

ધાનેરા તાલુકાની ખેતી વખણાતી હતી. જોકે, પાણી જતા રહેતા ખેતી અને ખેડૂતો પડી ભાંગ્યા છે. સફળ જામફળની ખેતી દેઠા ગામના દંપતિએ કરી છે. જોકે, પાણીની સમસ્યાના કારણે જોઈએ તેવી ઉપજ મળતી નથી. આમ, તો ઝેરી દવાનો ઉપયોગ બાગાયત ખેતીમાં થતો હોય છે. પરંતુ દેઠા ગામના ખેડૂતે દેશી ગાયના મળ મૂત્રનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળની સફળતાપૂર્વક ખેતી કરી છે. જામફળના વેચાણને લઈ વધુ માહિતી ના હોવાના કારણે ગત વર્ષે જામફળના ભાવ સારા ના મળતા માત્ર 52 હજાર રૂપિયામાં જામફળના ફળનું વેચાણ કર્યું હતું. જોકે, આ વર્ષે સારી ઉપજની સાથે સારા ભાવ મળી રહે તે માટે ખેડૂત દંપતિ જામફળના નિકાસને લઈ આયોજન કરી રહ્યા છે.

આ પણ વાંચો : પાંચ વર્ષે એક વાર ઉગતા ડ્રેગનફ્રુટ્સ વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો

એક ઝાડ પર હાલ 17 કિલો જેટલા જામફળ મળી રહ્યા


ધાનેરામાં જામફળની ખેતી કરનાર મફી પટેલે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં જામફળની ખેતી કરવામાં આવી છે. તે ખેતીમાં કોઈપણ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં આવતો નથી. આ જામફળની ખેતીમાં અમારા દ્વારા તૈયાર કરેલું કુદરતી ખાતર નાંખવામાં આવે છે. જેના કારણે ઉપજ પણ સારી મળી રહી છે. એક ઝાડ પર હાલ 17 કિલો જેટલા જામફળ મળી રહ્યા છે અને જેના કારણે અમને આ વર્ષે જામફળમાંથી આવક પણ સારી મળી રહી છે.

બનાસકાંઠામાં સફળ જામફળની ખેતી
બાગાયતી ખેતી થકી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાબનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતો જિલ્લો માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લોકોને ખેતી કરવાની વાત તો દૂર રહી પરંતુ પીવા માટે પણ પાણી મળતું નથી. ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો આજે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બાગાયતી ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી થકી ભારત દેશનું નામ વિદેશોમાં પણ ગુંજતું કર્યું છે ત્યારે ધાનેરા તાલુકાના દેઠા ગામ સહિત અન્ય ગામોના ખેડૂતો હવે ઓછા પાણી સાથે બાગાયત ખેતી કરી સારી આવક મેળવે તે જરૂરી છે. પાણી સામે હારવાની સામે મથામણ કરવી જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details