- બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના આજાવાડા ગામે ઓર્ગેનિક ખારેકની ખેતી
- બનાસકાંઠા જિલ્લામાં દાડમ, શક્કરટેટી, તરબુચ બાદ ખારેકની સફળ ખેતી થઈ શરૂ
- થરાદ તાલુકાના આજાવાડા ગામના ખેડૂતે 150 ખારેકના છોડ વાવ્યા
બનાસકાંઠા:વર્ષો પહેલા જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પાણીની તીવ્ર તંગી હતી ત્યારે ખેડૂતો સીઝન આધારિત ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા, પરંતુ જેમ-જેમ બનાસકાંઠા જિલ્લામાં નર્મદા નહેર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તેમ-તેમ ખેડૂતો દિવસેને દિવસે ખેતીમાં પ્રગતિ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો આમ તો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વાવેતર ઓછું થતું હતુ, પરંતુ હવે નર્મદાના પાણી પહોંચતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો અલગ-અલગ ખેતી વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને સરહદી વિસ્તારના ખેડૂતોની ખેતી કરવાની નોંધ દેશ અને વિદેશના ખેડૂતો પણ લઇ રહ્યા છે.
રણમાં ખારેકની ખેતી
જે રીતે ડીસા તાલુકો બટાટાની નગરી મનાય છે અને લાખણી તાલુકો દાડમનું હબ. બસ તેવી જ રીતે થરાદ તાલુકો ખારેકની સફળ ખેતી તરફ આગળ વધી રહ્યો છે. પાણીની બુંદ-બુંદ માટે તરસી રહેલા આ વિસ્તારમાં ખેતીની વાત તો દૂર રહી, પરંતુ પીવાના પાણીની પણ તંગી વર્ષોથી છે. જ્યારે આ વિસ્તારમાં નર્મદાની કેનાલ આવતા આ વિસ્તારમાં ખેતી કરવાનું શક્ય બન્યું છે. થરાદ તાલુકામાં આવેલા આજાવાડા ગામમાં રહેતા રાજાભાઈ પટેલ નામના ખેડૂતે ત્રણ વર્ષ પહેલા પોતાના ખેતરમાં ખારેકના 150 જેટલા છોડ વાવ્યા હતા અને અત્યાર સુધીમાં આ છોડના ઉછેર પાછળ 50,000 જેટલો ખર્ચ કર્યો છે. પરિણામે અત્યારે આ 150 ખારેકના છોડ રાજાભાઈ પટેલને વાર્ષિક લાખ્ખો રૂપિયાની કમાણી આપી રહ્યા છે.
આ પણ વાંચો:મહીસાગરમાં બાગાયતી ખેતી થકી ખેડૂતે જમ્બો બોરની સફળ ખેતી કરી