- ડીસા ડેપોમાં 5 મહિનાનું દુકાનદારોનું ભાડું બાકી
- ડેપો મેનેજર દ્વારા નોટિસ આપી હોવા છતાં ભાડું નહીં ભરતા કડક કાર્યવાહી
- કરાર પ્રમાણે દુકાનદારો ભાડું ભરવા તૈયાર
- દિવાળીના તહેવારોમાં દુકાનો સીલ કરતા વેપારીઓને નુકસાન
બનાસકાંઠાઃ ડીસા ડેપોને ઉત્તર ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો ડેપો માનવામાં આવે છે. જેમાં અંદાજે 20થી પણ વધુ દુકાનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા ભાડા પેટે આપવામાં આવી છે, પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે બસ સેવા બંધ થતા તમામ વ્યવહારો બંધ થયા હતા. જેમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાન બંધ હોવાના કારણે ભાડું ભરી શક્યા નહોતા. જેના કારણે દુકાનદારોએ ભાડામાં રાહત મેળવવા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ લોકડાઉન ખૂલતાની સાથે જ ડીસા ડેપો દ્વારા તમામ દુકાનોનું ભાડું ચાલુ કરી દેવામં આવ્યું હતું. જે ભાડું દુકાનદારા ચૂકવી નહીં શકતા ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનો સીલ કરવામાં આવી છે.
ડેપો મેનેજરે પાઠવી હતી નોટિસ
કોરોના વાઇરસની મહામારીના કારણે તમામ ધંધા-રોજગાર બંધ થયા હતા. જેની સાથે ડીસા ડેપોમાં આવેલી 8 દુકાનો પણ બંધ રહેતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, પરંતુ ડીસા ડેપો દ્વારા લોકડાઉન ખૂલતાની સાથે જ ડીસા ડેપોમાં આવેલી તમામ દુકાનનું ભાડું લેવાનું શરૂ કર્યું હતું. અનલોકના તબક્કાના 5 મહિના સુધી ડીસા ડેપોમાં આવેલી દુકાનદારો દ્વારા 8 લાખ રૂપિયા ભાડું ભરવામાં નહીં આવતાં રવિવારે ડીસા ડેપો મેનેજર દ્વારા તમામ 8 દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ અગાઉ અનેક વખત ડેપો મેનેજરે નોટિસ પાઠવી હતી.