- ડીસા નગરપાલિકા ચૂંટણીનું કાઉન-ડાઉન શરૂ
- ડીસા નગરપાલિકા ચૂંટણીના ફોર્મ ભરવાના થયા શ્રીગણેશ
- ટિકિટ માટે ભાજપના કાર્યકર્તાઓમાં વિરોધ
બનાસકાંઠાઃ 28 ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે તમામ પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર ખાતે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, પરંતુ ક્યાંકને ક્યાંક ભાજપમાં વિખવાદના કારણે હજુ સુધી એક પણ ઉમેદવારોએ પોતાનું ચિત્ર સ્પષ્ટ કર્યું નથી. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. દર 5 વર્ષે યોજાતી નગરપાલિકાની ચૂંટણીઓમાં ખરાખરીનો જંગ ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં જામતો હોય છે, ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાને ઉતારતાં આગામી સમયમાં ચોક્કસ પણે બનાસકાંઠાની ચૂંટણીઓમાં ત્રિપાંખિયા જંગ જામી શકે છે.
કોંગ્રેસ શહેર પ્રમુખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પણ આજે ગુરુવારથી ઉમેદવારીપત્ર ભરવાનો શુભારંભ કર્યો છે. વોર્ડ નંબર 3 માંથી મહિલા ઉમેદવાર સીતા દેખાઈએ નાયબ કલેક્ટર કચેરીએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. 5 વર્ષના ભાજપના શાસનમાં વોર્ડ નંબર 3માં વિકાસના કામો નહિવત જેટલા થયા હોવાથી આ વખતે ડીસા નગરની જનતા કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.