સામાજિક કાર્યકરના ગંભીર આક્ષેપ બનાસકાંઠા : શહેરોની જેમ ગામડાઓ પણ ચોખ્ખા અને સ્વચ્છ રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત વહીવટી તંત્રને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર મહાત્મા ગાંધી, સીડમની ગ્રાન્ટ, તાકીદના લોક ઉપયોગી ગ્રાન્ટ તેમજ સફાઈ માટેની ગ્રાન્ટમાં લાખો-કરોડો રૂપિયાની ફાળવણી થાય છે. જેમાંથી સરકારી અધિકારીઓ અને મોટા માથા પોતાની સ્વાર્થ સાધી ભ્રષ્ટાચાર આચરતા હોવાના અનેક કિસ્સા પણ પ્રકાશમાં આવતા હોય છે.
ભ્રષ્ટાચારનું ભૂત ધુણ્યું :ડીસા તાલુકાના ગામડાઓમાં ચૂકવવામાં આવતી સ્વચ્છતા મિશનની ગ્રાન્ટમાં 2.27 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ સામાજિક કાર્યકર ગૌતમ છત્રાલિયાએ કર્યા છે. ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટીઓ અને વિસ્તરણ અધિકારીઓએ ભેગા મળી આ ગ્રાંટમાથી રુપીયા ચાંઉ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે, ડીસા તાલુકા વિકાસ અધિકારી રુબી રાજપૂતે આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.
ગંભીર આક્ષેપ :આ અંગે સામાજિક કાર્યકર ગૌતમ છત્રાલિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્વચ્છતા મિશનની ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી 21 ગ્રામપંચાયતના તલાટીઓ અને બે વિસ્તરણ અધિકારીઓએ મળી મોટું કૌભાંડ આચર્યું છે. જ્યારે આ બાબત મારા ધ્યાને આવી ત્યારે મેં કૌભાંડની વાત સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.ઉપરાંત અલગ અલગ 13 જગ્યાએ મેં લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરી છે.
આ કૌભાંડ મામલે મારા પર રાજકીય પ્રેશર લાવી લાંચ આપી તથા ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો છે. મારી ફેસબુકની પોસ્ટ પણ એ લોકોએ ડરાવીને ડિલીટ કરાવી દીધી છે. તેમ છતાં પણ હું ડર્યા વગર તપાસ કરવા બાબતે રજૂઆત કરું છું. આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓએ અગાઉ જ્યાં પણ નોકરી કરી હોય તેની પણ ખાતાકીય તપાસ થાય તેવી માંગ છે. કારણ કે, મને શંકા છે કે આ અધિકારીઓના પગાર કરતા તેમની મિલકત વધુ હશે.-- ગૌતમ છત્રાલિયા (સામાજિક કાર્યકર)
TDO નો જવાબ : આ આક્ષેપ મામલે તાલુકા વિકાસ અધિકારી રુબી રાજપૂતે જણાવ્યું હતું કે, આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. એવું કશું છે જ નહીં, સરકારની ગ્રાન્ટ છે અને સરકારના ધારાધોરણ મુજબ ચૂકવેલી છે.
- Banaskantha News : બનાસકાંઠાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પડી રહ્યા પાણીના ટીપાં, તંત્ર ક્યારે જાગશે?
- Banaskantha News : TET અને TAT પાસ વિદ્યાર્થીઓ દ્વારા જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું