- જિલ્લા કલેકટર આંનદ પટેલના હાથે દીકરીઓને અપાયું આર્થિક રક્ષણ
- મહિલા કલાનિધિ ટ્રસ્ટના માધ્યમથી દીકરીઓને અપાયુ FDનું પ્રમાણપત્ર
- પાંચ દીકરીઓને અપાઇ રૂપિયા 25 હજારની FD પોલિસી
બનાસકાંઠા: જિલ્લામાં દીકરીઓને જન્મતાની સાથે જ રસ્તા પર કે અવાવરું જંગલોમાં છોડી દેવામાં આવતી હોય છે. ત્યારે, પાલનપુર તાલુકાના કણોદર ગામની રશ્મિ હાડા નામની દીકરી છેલ્લાં કેટલાંય વર્ષોથી દીકરીઓને બચાવવા અભિયાન ચલાવી રહી છે. પોતાની મહિલા કલા નિધિ ટ્રસ્ટ સંસ્થા મારફતે તેઓ નવજાત ત્યજી દેવાયેલ દીકરીઓની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત, જુદા જુદા વર્ગની અનાથ,નિરાધાર તેમજ અન્ય વંચિત વર્ગોની આવી દીકરીઓને નામે દર વર્ષે 25 હજાર રૂપિયાની રકમ ફિક્સ ડિપોઝીટ પેટે મૂકવામાં આવે છે. દર વર્ષે પાંચ દીકરીઓને 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેકટરના હાથે દીકરીઓને એફ.ડી.અર્પણ કરાય છે. આ વખતે પણ જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે આવી પાંચ દિકરીઓને એફ.ડી. પ્રમાણપત્ર આપી તેમને આર્થિક સુરક્ષા કવચ અર્પણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી પ્રજાની સેવામાં જીવન સમર્પિત કરનાર મુસ્તુભાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ માહિતી વિભાગના રેસુંગ ચૌહાણ સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો:મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ
ચિત્રો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ
રશ્મિ હાડા નામની આ યુવાન દીકરી છેલ્લાં 12 વર્ષોથી ગરીબ, વંચિત દીકરીઓને બચાવવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે, ચિત્રકળામાં નિપુણ રશ્મિએ દીકરી બચાવોનો સંદેશ આપતાં અનેક હૃદયસ્પર્શી ચિત્રો દોરેલાં છે. તેમજ તેની ચિત્રપ્રદર્શીની યોજી દીકરીઓને જાગૃત કરવાના પ્રયાસો પણ કરે છે.