બનાસકાંઠાઃ જિલ્લામાં આત્મહત્યાના બનાવો રોજબરોજ સામે આવી રહ્યા છે, ખાસ કરીને આજે મોટાભાગે યુવાનો આત્મહત્યાના બનાવોને સૌથી વધુ અંજામ આપી રહ્યા છે. જે આજના સમયમાં સૌથી મોટી સમસ્યાનો વિષય બની રહ્યો છે. ત્યારે આવો જ એક બનાવ બુધવારના રોજ પાલનપુર તાલુકાના ઓડવાસમાં બન્યો છે.
વિક્રમ ઓડ નામનો યુવક છેલ્લા ઘણા સમયથી પારસ ફૂટવેર નામની બુટ ચંપલની દુકાનમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે નોકરીના સમયે આ યુવકને તેના માલિકે બૂટ ચોરી કર્યા હોવાની બાબતે ઠપકો આપી માર માર્યો હતો. જ્યાર બાદ આ યુવકે પોતાને ઘરે ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી હતી.
પાલનપુરમાં દુકાન માલિકે ઠપકો આપતા મજૂરે કરી આત્મહત્યા આ ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યા લોકોએ આ ઘટનાની જાણ પાલનપુર પૂર્વ પોલીસને કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મૃતકના પરિવારે જણાવ્યું કે, અમારો ભાઈ વિક્રમ છેલ્લા ઘણા સમયથી પારસ ફૂટવેર નામની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યારે બુધવારના રોજ તેના માલિક દ્વારા તેમણે બૂટ ચોરી કર્યા છે, તેમ કહી માર મારવામાં આવ્યો હતો અને જે બાદ આ વાતનું દુઃખ વિક્રમને લાગી આવતા તેને ઘરે આવી આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ સમગ્ર મામલે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.