ગુજરાત

gujarat

ETV Bharat / state

Shitla Mata Mandir in Banaskantha : કૂંપટ ગામનું શીતળા માતા મંદિર, જૈનોએ સ્થાપેલા મંદિરમાં વર્ષમાં બે વાર ઉજવાય છે શીતળા સાતમ - મેળો

ડીસા પાસે કૂંપટ ગામે શીતળા માતાજીનું મંદિર આ વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. અને દર વર્ષે અહીં શીતળા સાતમના દિવસે ભવ્ય લોકમેળો ભરાય છે જેમાં આજુબાજુના 50થી વધુ ગામોના લોકો ઉમટે છે. આ મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.

Shitla Mata Mandir in Banaskantha : કૂંપટ ગામનું શીતળા માતા મંદિર, જૈનોએ સ્થાપેલા મંદિરમાં વર્ષમાં બે વાર ઉજવાય છે શીતળા સાતમ
Shitla Mata Mandir in Banaskantha : કૂંપટ ગામનું શીતળા માતા મંદિર, જૈનોએ સ્થાપેલા મંદિરમાં વર્ષમાં બે વાર ઉજવાય છે શીતળા સાતમ

By ETV Bharat Gujarati Team

Published : Sep 7, 2023, 6:24 PM IST

મંદિરની સ્થાપના 700 વર્ષ પહેલાં થઇ હતી

બનાસકાંઠા : ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મય છે. દર વર્ષે હિન્દુ ધર્મના લોકો અનેક તહેવારોની રંગેચંગે ઉજવણી કરતા હોય છે. ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોમાં દેવી-દેવતાઓમાં એક આગવી શ્રદ્ધા રહેલી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંપટ ગામે આવેલ 700 વર્ષ પૌરાણિક શીતળા માતાના મંદિરનો પણ જૂનો ઇતિહાસ રહેલો છે.

અમે વર્ષોથી આ મંદિરની પૂજા કરીએ છીએ. અહીં પહેલા વર્ષો જૂનું એક નાનકડું મંદિર હતું. ત્યારબાદ ધીરે ધીરે આ મંદિર પ્રત્યેની લોકોની આસ્થા બધી અને ધીરે ધીરે આ મંદિર મોટુ બનાવવામાં આવ્યું. અહીં પહેલા જે નાની મૂર્તિ હતી તેનું વિસર્જન કરીને મોટી મૂર્તિ પુનઃસ્થાપિત કરવામાં આવી. અહીં શીતળા સાતમના દિવસે મોટો મેળો ભરાય છે અને લોકો દૂર દૂરથી આવે છે. લોકોને જે તકલીફો હોય તેમાં માતાજીની માનતા માને છે અને બધું સારું થઈ જાય તો માતાની માનતા પૂરી કરવા માટે લોકો અહીં આવે છે...લાલભારથી ગૌસ્વામી (પૂજારી, શીતળા માતા મંદિર)

વર્ષમાં બે વાર ઉજવાય છે શીતળા સાતમ :ડીસા તાલુકાના કૂંપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે પણ દર વર્ષે શીતળા સાતમના દિવસે ભવ્ય ભાતીગળ લોકમેળો ઉત્સાહ અને ભક્તિ ભાવભર્યા માહોલમાં સંપન્ન થાય છે. વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન થયા છે. આમ તો શીતળા સાતમ વર્ષમાં બે વાર આવે છે.. એક શીતળા સાતમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં ઉજવાય છે.જ્યારે બીજી શીતળા સાતમ ફાગણ વદ સાતમના દિવસે ઉજવાય છે. ત્યારે ફાગણ વદ સાતમના દિવસે ડીસા પંથકમાં શીતળા સાતમ પર્વની ઉજવણી પણ કરાઈ હતી. મારવાડી સમાજમાં ફાગણ માસમાં આવતી શીતળા સાતમનું ખૂબ મહત્વ હોય છે.

અમારા ગામમાં આ મંદિર લગભગ 700 વર્ષ આજુબાજુ જૂનું છે. અહીં લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને જે કોઈને ઓરી અછબડા કે આંખો દુખવા આવે તેવો માતાની માનતા રાખે છે અને તેમને બધું જ સારું થઈ જાય છે. પછી લોકો અહીં માનતા પૂરી કરવા માટે આવે છે. અહીં ગુજરાત સહિત રાજસ્થાનના લોકો પણ દર્શન કરવા માટે આવે છે...ગુણવંતસિંહ સોલંકી (સ્થાનિક અગ્રણી)

જૈન સમાજ દ્વારા મંદિરની સ્થાપના :700 વર્ષ પહેલા જૈન સમાજ દ્વારા શીતળા માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ગામ બન્યું તે પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી શીતળા માતાની પૂજા અર્ચના પણ જૈન સમાજ દ્વારા કરવામાં આવતી હતી. કહેવામાં આવે છે કે કોઈપણ નાના બાળકને આંખોની બીમારી થાય તો આ મંદિરે બાધા આખડી રાખવામાં આવે છે. જેના કારણે બાળકોમાં આવેલી આંખની બીમારી જતી રહે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જેના કારણે દર વર્ષે આ મંદિરે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના બાળકોની બાધા આંખડીઓ પૂર્ણ કરવા માટે આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ મંદિરે જોવા મળી રહી છે. આજે જૈન સમાજના લોકો પોતાના ધંધા વ્યવસાય માટે આ ગામમાંથી નીકળી ગયા છે. જેના કારણે અહીં વસવાટ કરતા દરબાર સમાજ અને ઠાકોર સમાજ દ્વારા આ મંદિરની દેખરેખ રાખવામાં આવે છે.

અહીં વર્ષમાં બે વાર શીતળા સાતમ ઉજવાય છે

લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ : ડીસા સહિત આસપાસના ગામના લગભગ 50 હજારથી વધુ ભાવિકો શીતળા સાતમે શીતળા માતાના દર્શન કરવા સાથે મેળાની પણ મજા માણે છે. શીતળા માતાના મંદિરે મીઠું ધરાવવાની માન્યતા પણ ખૂબ જ પ્રચલિત છે.. વર્ષો પહેલા શીતળા સાતમની ઉજવણી ડીસામાં પણ અનોખા અંદાજમાં થતી હતી. શીતળા સાતમના એક દિવસ અગાઉ આવતા રાંધણ છઠના તહેવારના દિવસે લોકો તેમના ઘરમાં રસોઈ બનાવતા અને શીતળા સાતમના દિવસે ચૂલા ઠંડા રાખી કૂંપટના મેળામાં જતા હતાં. મેળામાં પહાચ્યા બાદ શીતળા સાતમના દર્શન કરીને લોકો પિકનીક સ્વરૂપે વનભોજનનો આનંદ માણતા હતા. વર્ષોથી યોજાતા આ ભવ્ય લોકમેળાનો મહિમા આજે પણ અકબંધ જળવાઈ રહ્યો છે.

  1. ડીસા તાલુકાના કૂંપટ ગામે ભાતીગળ મેળો યોજાયો
  2. shitala mata Temple Fair: ડીસાના કુપટ ગામમાં પૌરાણિક શીતળા માતાનો મેળો યોજાયો

ABOUT THE AUTHOR

...view details