ડીસાના વાડીરોડ વિસ્તારમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી, ખુલ્લી ગટરમાં યુવક ડૂબી જતાં મોત - પ્રિ-મોન્સૂન કામગીરી
જિલ્લાના ડીસા શહેરમાં એક યુવકનું મોત થયું છે. જેમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં ડૂબી જતાં યુવકનું મોત થયું હોવાનું પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે.
બનાસકાંઠા: ડીસામાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે એક યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. વાડીરોડ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં મોડી રાત્રે ધસમસતા પ્રવાસમાં વરસાદનું પાણી જતું હતું અને ખુલ્લી ગટરની બરોબર લેવલમાં પાણી જતું હોવાના કારણે ત્યાંથી પસાર થતાં ભેરા લવાર નામના 30 વર્ષીય યુવકનો પગ લપસી જતાં ગટરમાં પડી ગયો હતો. ગટર 10 ફૂટ પહોળી અને 10 ફૂટ ઊંડી હોવાના કારણે યુવક ડૂબવા લાગ્યો હતો. બનાવના પગલે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં, પરંતુ આ યુવકને બચાવે તે પહેલા જ તે તણાઈ ગયો હતો. મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં પણ તેનો અતોપતો ન લાગતા વહેલી સવારે તેનો મૃતદેહ એક કિલોમીટર દુર નદીમાથી મળી આવ્યો હતો. બનાવના પગલે પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નગર પાલિકાની બેદરકારી હોવાનો આક્ષેપો કર્યા છે.