બનાસકાંઠા: જિલ્લામાં દર વર્ષે પાણીની વિકટ સમસ્યા ઉભી થાય છે અને કેટલાય લોકો આ વિકટ પરિસ્થિતિનો ગંભીર સામનો કરે છે, ત્યારે આ જિલ્લાની અંદર ખાસ કરીને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લોકો આજે પણ ચોમાસાની અંદર વેસ્ટ થતા પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરી રહ્યા છે.
આવા જ એક વ્યક્તિ છે વિરચંદ કાંતિલાલ પટેલ ઉર્ફે દાસ કાકા જે ખેતીના સાથે-સાથે વીજડીપીનું કામ પણ કરે છે, તેમણે સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ શાસ્ત્રીના વિચારોથી બોધપાઠ લઈ 7 વર્ષ પહેલા પોતાના ખેતર પર વરસાદી પાણીના સંગ્રહ માટેની ટાંકી બનવી હતી. શરૂઆતમાં તે ડીસાથી મિનરલ વોટર પીવા માટે ખેતરે લઈ જતા હતા, પરંતુ અનેક બીમારીનો ભોગ બનતા તેમણે ચોમાસામાં વેસ્ટ થતાં કુદરતી પાણીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ પર જુઓ અમારો વિશેષ અહેવાલ શરૂઆતમાં તેમણે પોતાના ખેતર પર 9000 લિટર પાણીની ટાંકી બનાવી હતી અને તે જ પાણી વર્ષ દરમિયાન રસોઈમાં અને પીવાના ઉપયોગમાં લીધું હતું. જો કે, ત્યારબાદ તેમના ઘરમાંથી શારીરિક સમસ્યાઓ તો દૂર થઇ છે, પરંતુ આ સાથે જ પાણીનો પણ બચાવ થયો છે. તેમાં સફળતા મળ્યા બાદ તેમણે પોતાની ફેક્ટરી પર પણ એક લાખ લિટર પાણીનો સંગ્રહ થઇ શકે તેટલી મોટી ભૂગર્ભ ટાંકી બનાવી છે અને આ ફેકટરીમાં 50થી પણ વધુ લોકો કામ કરે છે. આ તમામ લોકો પણ આ જ પાણીનો ઉપયોગ કરે છે. ચોમાસામાં તેમની ફેકટરીમાં સેડ પર આવતા પાણીને અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન દ્વારા આ ટાંકીમાં ભરવામાં આવે છે અને બાદમાં તે વર્ષ દરમિયાન પીવના ઉપયોગમાં લેવાય છે.
ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા ધીરાજી રત્નાજી માળી ખેડૂતની સાથે સાથે એક જાગૃત નાગરિક તરીકે પણ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. તે ગત ઘણા વર્ષોથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે અને સ્વાધ્યાય પરિવારમાં માનવ જીવનના મૂલ્યોની સાથે સાથે સંસ્કાર અને કુદરતી સંપત્તિના જતન અને બચત માટેની પણ વાત કરવામાં આવે છે, ત્યારે સ્વાધ્યાય પરિવારના પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના વિચારોથી પ્રેરિત તેમણે પોતાના ઘરમાં વરસાદી પાણી સંગ્રહનું આયોજન કર્યું છે.
હાલ તે 5 ભાઈઓનો પરિવાર સાથે રહે છે અને તમામ ભાઈઓના ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટેની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી છે. ચોમાસામાં જે પાણી છત પર પડ્યા બાદ વેસ્ટ જાય છે, તે તમામ પાણી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભમાં બનાવેલી ટાંકીમાં ભરવામાં આવે છે અને આ ટાંકીમાંથી પાણી હેડ પંપ દ્વારા બહાર કાઢી રસોઈમાં અને પીવાના વાપરવામાં આવે છે. વરસાદી પાણી વાપરવાથી અને પીવાના ઉપયોગમાં લેવાથી તેમને અનેક ફાયદાઓ પણ થયા છે.
વીરાજી માળી અત્યાર સુધી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરતા હતા, પરંતુ આનાથી પણ વિશેષ હવે તે પોતાના ખેતરોમાં જે પાણી પડે છે અને વેસ્ટ જાય છે તેના સંગ્રહ માટે પણ તેઓ વિચારી રહ્યા છે. નહાવા અને વાસણ ધોવામાં પણ જે પાણીનો ઉપયોગ થાય છે, તે વેસ્ટ પાણીને પાઇપલાઇન દ્વારા કૂવામાં નાખી સંગ્રહ કરવામાં આવે છે અને તેના કારણે તેના કારણે આજુબાજુના ખેતરોમાં પાણીના તળ ઊંચા છે. કારણ કે, વેસ્ટ પાણી કૂવામાં નાખવાથી જળ સંગ્રહ દ્વારા પાણી રિચાર્જ થતું રહે છે.