મહેસાણા: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ખ્યાતનામ દિવ્ય શક્તિ એવા પ્રહલાદભાઈ જાની ચૂંદડીવાળા માતાજીનો નશ્વર દેહ અંબાજીના ગબ્બર લવાયો છે. ચુંદડીવાળા માતાજીને આજે સવારે ગુરુપુષ્ય નક્ષત્રમાં 8.15 વાગ્યે અંબાજીના ગબ્બરના તેમના આશ્રમ ખાતે અંતિમ વિધિ કરાશેે. અંતિમ વિધિ - ભક્તોને અંતીમ વિધિના દર્શન ઘરે રહી સોશિયલ મીડીયા કે ન્યૂઝ મીડીયા દ્વારા કરવા કરાઈ અપીલ કરવામાં આવી છે. અંતીમ વિધિમાં મર્યાદીત લોકોને મંજૂરી હોવાથી વધુ ભક્તોએ અંબાજી આવવાનું ટાળવા વિનંતી કરાઈ છે.
ચૂંદળીવાળા માતાજી મૂળ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામના વતની હતા. તેઓનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ અરવલ્લી ખાતેની ગિરિકંદરાઓમાં અન્નજળનો ત્યાગ કરી તપસ્વીની જેમ ધૂણી ધખાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અન્નજળ ગ્રહણ કર્યા સિવાય માત્ર હવા પર નિર્ભર રહેતા હતા. અંબાજી ખાતે ગબ્બર પાસે તેમનો એક આશ્રમ આવેલો છે. જેમાં આવતા લાખો ભક્તો માતાજીના અન્ન-જળ ત્યાગથી અચરજમાં હતા. માતાજી અન્નજળ વગર કેવી રીતે વર્ષો વર્ષ રહી શકે તે માટે મેડિકલ સાયન્સ દ્વારા પણ અનેક વાર તપાસ કરવામાં આવી હતી. ત્યાં ચૂંદળીવાળા માતાજી વિજ્ઞાન માટે પણ પડકાર સમાન હતા. જેથી તેમનું આ રહસ્ય તમને જીવન દરમિયાન કોઈ જાણી શક્યું નથી. તો ધર્મ, શ્રદ્ધા અને આસ્થામાં માનનારા ભક્તો માટે માતાજી ખુદ એક દિવ્ય શક્તિ હતા. તેમજ તેમના પાસે ચમત્કાર હોવાનું માનતા હતા.