- બનાસકાંઠામાં સગીરા પર દુષ્કર્મની ઘટના
- ચાર શખ્સોએ ગુજાર્યો હતો દુષ્કર્મ
- કોર્ટે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો
બનાસકાંઠાઃ જિલ્લામાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લઇ ગંભીર બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાખણી તાલુકાના એક ગામની એક સગીર યુવતી બે વર્ષ અગાઉ ડીસા ખાતે આવી હતી તે સમયે રાત્રિના સમયે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પશુ પરમાર નામનો યુવક તેના બે મિત્રોની મદદથી અપહરણ કરી ગયો હતો. આ સગીર યુવતી ચોકમાં સુતી હતી, તે સમયે તેના મોઢા પર રૂમાલ બાંધી છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં નાખીને પથુ પરમાર સહિત 3 શખ્સો અપહરણ કરી ગયા હતા.
જાનથી મારી નાખવાની ધમકી આપી
ત્યારબાદ આ પથુ પરમારે તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ જો ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો, અને ત્યારબાદ પણ સતત બે વર્ષ સુધી આ શખ્સ સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો તે દરમિયાન આ સગીરા ગર્ભવતી બનતા તેને ગોળી આપીને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આખરે કંટાળેલી સગીરાએ તેના માતા-પિતાને તમામ હકીકત જણાવતા તેઓ ડીસા સિટી પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ ફરિયાદ ન લેતા સગીરા તેના પરિવાર સાથે થરાદ પહોંચી હતી જોકે ત્યાં પણ તેની રજૂઆત ન સાંભળતા બાદમાં તે થરાદ ડીવાયએસપી અને ડીસા ડીવાયએસપી કચેરી અને છેલ્લે જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી, પરંતુ કોઈ જ પોલીસ અધિકારીએ તેની ફરિયાદ ન લેતા આખરે તેને દિયોદર કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.