બનાસકાંઠાઃ જિલ્લામાં એક તરફ કોરોના વાઈરસના કેસો વધતાં લોકોમાં ભયનો માહોલ છે. તો, બીજી તરફ તસ્કરો પણ આવા સમયનો લાભ લઈ બેફામ બન્યા છે. ગઇકાલે મોડી રાત્રે દિયોદર પાસે આવેલા કોટડા ગામમાં એક વૃદ્ધના મકાનમાં સાડાચાર લાખ રૂપિયાની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
બનાસકાંઠામાં તસ્કરો બન્યા બેફામ, બંધ મકાનમાંથી તસ્કરોએ સાડા ચાર લાખની કરી ચોરી - Rs 4 lakh was stolen from Diodar
બનાસકાંઠા જિલ્લાના દિયોદર પાસે એક ગામમાં બંધ મકાનમાં સાડા ચાર લાખની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરી કરનારા શખ્સને ઝડપી મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યાનુસાર, કોટડા ગામે રહેતા 80 વર્ષીય વૃદ્ધ વિરભણજી ઠાકોરે ખેતર વેચી સાડા ચાર લાખ રૂપિયા ઘરના કબાટમાં મૂક્યા હતા. જે કોઇ જાણભેદુએ મોડી રાત્રે તેમના મકાનના નળીયા તોડી કબાટમાં મુકેલા રોકડા 4.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વહેલી સવારે બનાવની જાણ થતાં જ વૃદ્ધે દિયોદર પોલીસ મથકે જાણ કરી હતી.
આ ચોરી કરનાર કોઈ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસે સઘન તપાસ કરી હતી. જેમાં ગામનો જ જયંતિ પરમાર નામના શખ્સ પર શંકા જતાં તેની અટકાયત કરી પૂછપરછ કરાઈ હતી. તે દરમિયાન આરોપી ભાંગી પડ્યો હતો અને તેને ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યારબાદ પોલીસે બાઈક અને રોકડ સહિત 4.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.