બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર મુકામે પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને કોરોના સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બનાસકાંઠામાં કોરોના સંદર્ભે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં રહે તેમજ વધતા કેસોને અંકુશમાં લઇ શકાય તે માટે સચિવે અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી. સચિવે કહ્યું કે, કોરોના સંદર્ભે પરિસ્થિતિ બહુ જ સંવેદનશીલ માનીને પ્રયાસો કરીએ. સમગ્ર જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી દરેક ગામ અને જન-જન સુધી સંકલન કેળવીને રોજે-રોજ પરિસ્થિતિને અપડેટ કરતા રહીએ. કોરોનાની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સક્રિય અને સક્ષમ છે.
પાલનપુરમાં પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
કોરોના સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા જિલ્લાની વિશેષ કાળજી લઇ સચિવકક્ષાના સિનિયર ઓફિસરને જવાબદારી સોંપી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ રોગ નિયંત્રણ સંલગ્ન કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્રને માર્ગદર્શન સુપરવિઝન અને અમલીકરણ માટે GMDCના મેનેજીંગ ડિરેકટર અને જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
કલેકટર સંદીપ સાગલેએ સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો જણાવી હતી. સમગ્ર જિલ્લામાં કોરોના વાઈરસ સંદર્ભે વ્યાપક કામગીરી અને યુધ્ધના ધોરણે ચાલતા પ્રયાસોની વિગતવાર માહિતી આપી હતી. કલેકટરએ કહ્યું કે, લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવામાં આવે છે. ડીસા ગાંધીલિંકન ભણશાળી હોસ્પીટલ અને પાલનપુર બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલને સુવિધાસજ્જ બનાવાઇ છે. જિલ્લા અને રાજય બહારથી આવેલા લોકોને તપાસ કરી ક્વોરેન્ટાઇન અંગે પણ કામગીરી કરવામાં આવી છે. આ પ્રસંગે જરૂરતમંદ લોકોને રહેવા માટે શેલ્ટર હોમ્સ, જમવાની અને રાશન કીટ વિતરણ વગેરેની દાતાઓના સહયોગથી મોટાપાયે કામગીરી કરવામાં આવી છે. આરોગ્ય અને પોલીસ વિભાગ સહિત વહીવટીતંત્ર દ્વારા દિવસ રાત અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારો સુધી દરેક લોકો પર ઝીંણવટભરી નજર રાખી બિમારીના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી જરૂર જણાયે સેમ્પલ લઇ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે.