બનાસકાંઠાઃ જિલ્લાની વિદ્યા નગરી એવા પાલનપુર શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યા નરાધમે એક પરપ્રાંતીય 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મથી ચકચાર, પોલીસે વધુ તપાસ હાથ ધરી
એક તરફ નિર્ભયા દુષ્કર્મના આરોપીઓને પકડાયા બાદ તેમનો ગુનો સાબિત થયો હોવા છતાં પણ સજા નથી મળી રહી, ત્યારે આવી જ રીતે કાયદાની અનેક છટકબારીઓ હોવાના કારણે દુષ્કર્મીઓમાં કાયદાનો ડર રહ્યો નથી.
પાલનપુરમાં રેલવે સ્ટેશન નજીક આવેલા બંધ સ્ટાફ ક્વાટર્સમાં કોઈ અજાણ્યા શખ્સે એક 4 વર્ષની પરપ્રાંતીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા જ સનસનાટી મચી છે. આ બનાવની જાણ થતાં જ રેલવે પોલીસ સહિત આજુબાજુમાં રહેતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. જો કે, બાળકીની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.
આ અંગે રેલવે પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આવુ કૃત્ય આચરનારને તાત્કાલિક ઝડપી ફાંસી આપવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.