બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદ
- વરસાદથી નદી નાળા છલકાયા
- ખેતરોમાં ભરાયા પાણી
- પાક નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાન
- સરકાર ખેડૂતોની મદદ કરે તેવી માગ
બનાસકાંઠાઃ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો છે. જો કે, બનાસકાંઠાના અંબાજી અને દાંતા પંથકમાં વરસાદની હજી ઘટ રહી છે. અંબાજી પંથકમાં સમગ્ર સીઝન દરમિયાન 50 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડતો હોય છે, ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 24 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે.
અંબાજી પંથકમાં ભારે વરસાદી ઝાપટાના કારણે નદી નાળા જીવંત બન્યા છે, ત્યારે નદી નાળામાં વહેતા પાણીના કારણે કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે. જેથી પ્રવાસીઓમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યું છે.
બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદ જિલ્લામાં વરસાદના કારણે અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અહીં સતત પાંચ-છ દિવસથી ધીમી ધારે વર્ષી રહેલા વરસાદના કારણે આદિવાસી ખેડૂતોને પાકમાં મોટી નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે, તેમજ ખેતરોમાંથી પસાર થતી નદીના કારણે ઉગેલા પાકનું ધોવાણ પણ થયું છે. ખેતરોમાં પાણી ભરાતા પાક નિષ્ફળ જાય તેવો ડર ખેડૂતને સતાવી રહ્યો છે, આ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોના વહારે આવે તેવી પણ માગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે.