ધાનેરાઃ બનાસકાંઠામાં ધાનેરા પાસે મોટામેડા અને જીવાણા ગામ વચ્ચે રેલવે અન્ડર બ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી આ અન્ડર બ્રિજ બન્યો છે ત્યાંથી સામાન્ય વરસાદ થતાં જ અન્ડર બ્રિજ નીચે પાણી ભરાઈ જાય છે અને તેના કારણે અવરજવર માટેનો રસ્તો બંધ થઈ જાય છે. મોટામેડા અને જીવાણા બંને ગામને જોડતો આ એકમાત્ર માર્ગ છે. મોટાભાગના પશુપાલકો પણ ડેરીએ દૂધ ભરવા માટે સવાર સાંજ આજ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે ધાનેરામાં બે દિવસ અગાઉ આવેલા સામાન્ય વરસાદમાં જ આ બ્રિજ નીચે પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ધાનેરા પાસેનું રેલવે ગરનાળું બન્યું મુસીબતનું કારણ, ગ્રામજનોએ પરેશાન થઈ કર્યો અનોખો વિરોધ
બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલ અંડરબ્રિજ નીચે વારંવાર પાણી ભરાઇ જતાં ગ્રામજનો પરેશાન થઈ ગયાં છે. રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી પાણી નિકાલ માટેની કોઇ વ્યવસ્થા ન થતાં કંટાળેલા ગ્રામજનોએ થાળી વગાડી નિંદ્રાધીન તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
જ્યારથી આ અન્ડર બ્રિજ બન્યો છે ત્યારથી અત્યાર સુધી અનેકવાર ગ્રામજનોએ રજૂઆત કરી છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી અન્ડર બિજમાંથી પાણી નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરાઈ નથી. તેના કારણે જીવાણા અને મોટામેડા બંને ગામના અંદાજે છ હજાર કરતાં વધુ લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. અત્યાર સુધી સ્થાનિક ગ્રામજનોએ અનેકવાર લેખિત રજૂઆત કરી છે તેમ છતાં તંત્રએ ગ્રામજનોની કોઈ જ રજૂઆત ધ્યાને ન લેતાં કંટાળેલા બંને ગામના લોકોએ આજે ભેગા થઈ થાળી વગાડી તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. તેમ જ 10 દિવસમાં સરકાર ગ્રામજનોની વાતને ધ્યાને લઇ આ સમસ્યા હલ નહીં કરે તો ગ્રામજનો રેલવે રોકો આંદોલન કરશે અને તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.