- રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
- બનાસકાંઠા જિલ્લામાં 14 કેન્દ્ર પર રોજના 10 ખેડૂતોની મગફળીની ખરીદી કરાશે
- ઓપન માર્કેટમાં ભાવ સારા હોવાથી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જોવા મળ્યો ઘટાડો
બનાસકાંઠાઃ જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને મગફળીના ભાવમાં નુકસાન થતું હોવાના કારણે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. હતું. જિલ્લામાં ચાલુ વર્ષે 1.32 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જેના કારણે હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં રોજની 60 હજાર બોરીની આવક થઈ રહી છે. હાલમાં જિલ્લામાં તમામ ખેડૂતો પોતાના ખેતરમાંથી મગફળી નીકાળી અન્ય ખેતી કરવા માટેની તૈયારીઓ કરી દીધી છે. જેના કારણે મોટાભાગના ખેડૂતોએ પોતાની મગફળી ઓપન માર્કેટમાં વહેંચી દીધી છે. જેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં 29,810 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું
રાજ્ય સરકારે સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરી દીધા છે. જિલ્લામાં આ વર્ષે 20 દિવસ દરમિયાન 29,810 ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટર કર્યું હતું. જેમાં સૌથી ઓછું રજીસ્ટ્રેશન સુઈગામ તાલુકામાં 70 ખેડૂતો અને સૌથી વધુ ધાનેરા તાલુકામાં 7,351 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ડીસામાં ગત વર્ષે 5400 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, ચાલુ વર્ષે 3662 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જિલ્લાની અંદર કુલ 14 કેન્દ્ર પર મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને કારણે દરેક કેન્દ્ર પર ટેમ્પરેચર ગન, માસ્ક, સેનેટાઈઝર સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે, તેમજ રોજના માત્ર 10 ખેડૂતોને જ મગફળી વેચાણ માટે બોલાવવામાં આવશે જેથી સોશિયલ ડિસ્ટન્ટ જળવાઈ રહે અને કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.