- ડીસાના લીલાશાહ નગર વિસ્તારમાં મરેલી ગાયને સળગાવી દેતા હંગામો
- આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક સજા કરવા સ્થાનિક લોકોની માંગ
- ડીસા પોલીસે સ્થાનિક લોકોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી
ડીસા:હિન્દુ ધર્મમાં ગાયને એક આગવું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ત્યારે, આજે ડીસાના લીલાશાહ નગર વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બે દિવસ અગાઉ મરેલી ગાયને સળગાવી દેતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બે દિવસ અગાઉ ડીસાના લીલાશાહ નગર વિસ્તારમાં રોડ પર મરેલી ગાયની જાણ સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં કરવામાં આવી હતી. જે બાદ, આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો બહાર આવે તે પહેલાં જ કોઈ અજાણ્યા શખ્સોએ આ ગાયને કેરોસીન છાંટી સળગાવી દીધી હતી. આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતા લોકોમાં પણ ગાયને સળગાવનાર સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:ડીસા નગરપાલિકાના પ્રમુખે ચાર્જ સંભાળતા જ કર્મચારીઓનો પગાર ચૂકવાયો
આ બનાવના પગલે ડીસા પોલીસ ઘટના સ્થળે
ડીસાના લીલાશાહ નગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 1 ગાયનું મોત નિપજયું હતું. આ ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક ડીસા નગરપાલિકામાં જાણ કરી હતી. પરંતુ 2 દિવસ સુધી પાલિકા દ્વારા ગાયના મૃતદેહને ત્યાંથી હટાવવામાં આવ્યો નહોતો. આથી, સતત બીજા દિવસ સુધી આ મૃતદેહ ત્યાં પડ્યો રહ્યો હતો. ત્યારે, આજે રવિવારે, વહેલી સવારના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ગાયના આ મૃતદેહને સળગાવી દેવાની ઘટના સામે આવતા આ વિસ્તારમાં મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ આ બાબતે ડીસા શહેર પોલીસને જાણ કરતા, ઉત્તર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગાયના મૃતદેહને ઘટનાસ્થળેથી ખસેડી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અજાણ્યા શખ્સો સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
કૃત્ય કરનાર સામે કડક સજા કરવા સ્થાનિક લોકોની માંગ
ડીસાના લીલાશાહ નગરમાં બનેલી ઘટના બાદ ડીસા શહેરમાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે, આ અંગેની જાણ પોલીસને કરી હતી અને આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.